Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી આખા રાજ્યમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. સુરત સહિત અનેક શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે દેખાવ કરવમાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સુરત સહિત અનેક જગ્યાએ રૂપાલાના સમર્થનમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામા આવ્યું છે.
રૂપાલા સામે વિરોધ યથાવત
રાજકોટ બેઠક માટે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નામની જાહેરાત બાદ તેમણે એક કાર્યક્રમમાં કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ શરૂ થયો છે. આ વિવાદ બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, ત્યાર બાદ પ્રદેશ પ્રમુખે પણ આ મુદ્દે સમાજને અપીલ કરી હતી. તેમ છતાં એક બાદ એક શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માગ કરવામા આવી રહી છે.
સ્નેહ મિલન સમારોહ
પરશોત્તમ રૂપાલા સામેના વિરોધ સામે પક્ષ દ્વારા ઉમેદવાર બદલાશે નહીં તેવી જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ હવે પરશોત્તમ રુપાલાની તરફેણ માટે પાટીદાર સમાજના લોકો આગળ આવી રહ્યાં છે. તેમાં પણ રાજકોટમાં સ્નેહ મિલન સમારોહની જાહેરાત બાદ હવે સુરતમાં પણ આગામી રવિવારે પરશોત્તમ રૂપાલાની હાજરીમાં વધુ એક સ્નેહ મિલન સમારોહની જાહેરાત કરવામા આવી છે.
હાલમાં સુરત નજીક આવેલા કામરેજ તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતાના નામે સ્નેહ મિલન સમારોહ માટેની જાહેરાત કરવામા આવી છે. સાતમી એપ્રિલે ગોપીન ગામ, મોટા વરાછા ખાતે સુરત વસતા રાજકોટ, પડધરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદણ, આટકોટ, વિંછીયા,કોટડા, સાંગાણી, લોધીકા સહિતના ગામના લોકોએ સ્નેહ મિલન સમારોહ યોજાશે, જેમાં પરશોત્તમ રૂપાલા હાજર રહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ રૂપાલાની તરફેણમાં કેમ્પીયન થઈ રહ્યું છે. ભાજપના એક ઉમેદવાર માટે વિવિધ સમાજ દ્વારા તરફેણ અને વિરોધ કરવામાં આવતા મામલો ગરમાયો છે. આ વિવાદ ક્યારે શાંત પડશે તે અંગે પણ અનેક અટકળો થઈ રહી છે.