Image: Pixabay
સુરતમાં એક્ષપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, રિંગરોડ, મેટ્રો ટ્રેન જેવા ચાલી રહેલા પ્રોજેક્ટના કારણે આ વર્ષે પણ ભૂસ્તર વિભાગ દ્વારા નાણાકીય વર્ષમાં રેકોર્ડબ્રેક રૂ. ૧૩૭.૬૭ કરોડની રોયલ્ટીની વસુલાત કરીને રાજ્યમાં ફરીવાર આ વર્ષે વધુ આવક મેળવવામાં બીજો નંબર હાંસિલ કર્યો છે.
સુરત શહેર જેવા સૌથી વધુ વિકસતા શહેરમાં હાલ મોટાપાયે વિકાસના કામો થઈ રહ્યા છે. સાથે જ બાંધકામ ક્ષેત્રમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરતમાં રોયલ્ટીની આવક પણ વધી રહી છે. આ અંગે સુરત જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલ ના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં. લિગ્નાઇટ, બ્લેક ટ્રેપ, સાદી રેતી અને સાદી માટીનો મોટો જથ્થો ઉપલબ્ધ છે. આ માટે જિલ્લામાં કુલ ૨૨૯ લીઝો આપવામાં આવી છે. દરમ્યાન ખાણ અને ખનીજ વિભાગ ની વડી કચેરી દ્વારા નાણાકીય વર્ષ માં સુરત જિલ્લાને રોયલ્ટી વસુલાતનો ૧૩૪ કરોડ નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે ૧૩૭.૬૭ કરોડ ની રોયલ્ટી વસુલાત કરીને ૧૦૨.૭૫ ટકા સિદ્ધિ મેળવી છે. ગત વર્ષે ૧૨૮ કરોડ ની આવક થઈ હતી. આમ આ વર્ષે ૯ કરોડ ની રોયલ્ટી વસુલાત વધુ થઈ છે. રાજ્યમાં કચ્છ જિલ્લા પછી સૌથી વધુ રોયલ્ટી મેળવવામાં બીજા નબરે સુરત જિલ્લો આવે છે. સાથે જ વર્ષ દરમ્યાન ખનીજ ચોરીના ૪૨૯ કેસ ઝડપીને રૂ. ૮.૬૧ કરોડ ની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૫ કરતા વધુ ખનીજ ચોરી ના કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યાં છે.
સ્ટાફ ની અછત છતાં ચેક પોસ્ટ ઊભી કરી વસુલાત વધારાઈ
સુરત જિલ્લા ભૂસ્તર વિભાગમાં ફિલ્ડ સ્ટાફ ની ભારે અછત છે. છતાં જેટલો પણ સ્ટાફ છે તેમાં આયોજનબધ્ધ કામગીરી સોંપીને વસુલાત કરવામાં આવી રહી છે. ખનીજ ચોરી અટકાવવા માટે ત્રણ સ્થળે ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર જણાય તે સ્થળે મોબાઈલ ચેકીંગ નાકા ઊભા કરી ખનીજ ચોરી અંકુશ લાવવામાં આવી રહી છે.