– 37 વર્ષીય શેરુ યાદવને પત્નીના અવસાન બાદ મમતા સાથે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો : મમતાના જીવનમાં છ મહિના અગાઉ રામુ આવતા ઝઘડા થતા હતા

– રાત્રે ફૂટપાથ પર સુતેલા શેરુએ જાગીને રીક્ષામાં સુતેલી મમતા પાસે રામુને જોતા થયેલા ઝઘડામાં બંનેએ તેની પથ્થર મારી હત્યા કરી

સુરત, : સુરતના રેલવે સ્ટેશન નજીક રેલ્વે પાર્સલ ઓફીસ પાસે આજે મળસ્કે ભરથાણા ખાતે રહેતા રીક્ષા ચાલક યુવાનની હત્યા કરનાર પ્રેમિકા અને તેના પ્રેમીની મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.મૃતક રીક્ષા ચાલકને પત્નીના અવસાન બાદ રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હતો.જોકે, મહિલાના જીવનમાં છ મહિના અગાઉ અન્ય યુવાન આવતા ઝઘડા થતા હતા.તેમાં રાત્રે ફૂટપાથ પર સુતેલા રીક્ષા ચાલકે જાગીને રીક્ષામાં સુતેલી પ્રેમિકા પાસે તેના નવા પ્રેમીને જોતા થયેલા ઝઘડામાં બંનેએ તેની પથ્થર મારી હત્યા કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભરથાણા ગામ હનુમાનજી મંદિર પાસે રામનગર સોસાયટીમાં રહેતા 37 વર્ષીય રીક્ષા ચાલક શેરૂ ભવાનીરામ યાદવની આજે મળસ્કે 5.30 વાગ્યાના અરસામાં સુમુલ ડેરીથી આયુર્વેદીક ગરનાળા તરફ જતા રોડ ઉપર રેલ્વે પાર્સલ ઓફીસ પાસે તેની રીક્ષા નજીકથી તિક્ષ્ણ કે બોથડ હથિયાર વડે માથાના ભાગે, કપાળના ભાગે, છાતીના ભાગે, ડાબી આખની બાજુના ભાગે ઘા મારી હત્યા કરેલી લાશ મળી હતી.બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને શેરુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.પીઆઈ જે.બી.ચૌધરી અને સેકન્ડ પીઆઈ યુ.જે.જોષીએ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં 80 થી 90 જેટલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા.

દરમિયાન, સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કાનસીંગભાઈ, અજીતસિંહ માનસિંહ, પ્રતાપસિંહ ભીખુભાઈ અને કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલને મળેલી બાતમીના આધારે મહિધરપુરા પોલીસે વાપીથી મમતા ( ઉ.વ.45 ) અને મજૂરીકામ કરતા રામુ અર્જુન યાદવ ( ઉ.વ.36, ) ( બંને હાલ રહે.ફૂટપાથ ઉપર, સુરત પાર્સલ ઓફિસની સામે, મહિધરપુરા, સુરત ) ને સુરતથી ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે શેરુ યાદવને વર્ષ 2021 માં પત્નીના અવસાન બાદ મમતા સાથે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો.જોકે, મમતાના જીવનમાં છ મહિના અગાઉ રામુ આવતા શેરૂ અને મમતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

ગતરાત્રે મમતા શેરુની રીક્ષામાં સુઈ ગઈ હતી.જયારે શેરૂ ફૂટપાથ પર સુઈ ગયો હતો.રાત્રે 2.30 વાગ્યાના અરસામાં શેરૂ અચાનક જાગ્યો હતો.તેણે રીક્ષામાં સુતેલી મમતા પાસે રામુને જોતા ફરી તેમનો ઝઘડો થયો હતો.તે સમયે મમતા અને રામુએ તેની પથ્થર મારી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે મહિધરપુરા પોલીસે શેરુના પડોશમાં રહેતા પૂજારી ઇશ્વરદાસ દોલતદાસ વૈષ્ણવની ફરિયાદના આધારે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.વધુ તપાસ વુમન પીઆઈ યુ.જે.જોષી કરી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *