IPL 2024: આઇપીએલની 17મી સિઝન ઝડપથી આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં ખેલાયેલા 41 મુકાબલામાં ઘરઆંગણાની ટીમોનો દબદબો જોવા મળ્યો છે. ટી-20ના ટૂંકા ફોર્મેટમાં હોમગ્રાઉન્ડનો ફાયદો કોઈ ટીમને કેટલો મળી શકે?  તેવો પ્રશ્ન ચાહકોમાં ચર્ચાતો રહે છે. જોકે, આ સિઝનમાં રમાયેલી 41માંથી 23 મેચમાં યજમાન ટીમ વિજેતા બની છે. જ્યારે 18 મેચ એવી છે કે, જેમાં અવે એટલે કે પ્રવાસી ટીમ વિજેતા બની છે. 

ઘરઆંગણાની ટીમોના દબદબાની પાછળ પોતાના મેદાનની પીચની પરખ અને ચાહકોના જોરદાર સમર્થનની ભૂમિકા પણ અત્યંત મહત્વની બની રહેતી હોય છે. પંજાબની ટીમનો ઘરઆંગણાનો અને બેંગાલુરુનો પ્રવાસી ટીમ તરીકેનો રેકોર્ડ આ સિઝનમાં અત્યંત નબળો રહ્યો છે. આ રેકોર્ડ પંજાબ અને કોલકાતાની મેચ પહેલાનો છે. 

રાજસ્થાન હોમ-અવેમાં સૌથી સફળ ટીમ

સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમે ઘરઆંગણાની સૌથી સફળ ટીમ તરીકેનો રેકોર્ડ નોંધાવી દીધો છે. રાજસ્થાન આ સિઝનમાં ઘરઆંગણે પાંચ મેચ રમ્યું છે, જેમાંથી ચારમાં તેમનો વિજય થયો છે અને એકમાત્ર મેચ તેઓ હાર્યા છે. રસપ્રદ રેકોર્ડ એ છે કે, તેઓ અવે ટીમ એટલે કે પ્રવાસી ટીમ તરીકે ત્રણ મેચ રમ્યા છે અને ત્રણેય જીત્યા છે. રાજસ્થાન આ સિઝનમાં એકમાત્ર એવી ટીમ છે કે, જે હરિફ ટીમના મેદાન પર એક પણ મેચ હારી નથી. 

કોલકાતા, લખનઉ અને ચેન્નાઈ પણ ઘરઆંગણે સફળ

કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ઘરઆંગણાની પીચ અને પરિસ્થિતિનો સૌથી વધુ ફાયદો આ સિઝનમાં ઉઠાવ્યો છે. આ ત્રણેય ટીમો આ સિઝનમાં ઘરઆંગણે અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તેમાંથી 3-3 મેચમાં વિજેતા બની છે.

જ્યારે તેમણે હોમ મેચમાં એકમાત્ર હાર મળી છે. કોલકાતા હરિફ ટીમના મેદાન પર ત્રણમાંથી બે મેચ જીત્યું ને એક હાર્યું છે. લખનઉ અવે મેચમાંથી બે જીત્યું ને બે હાર્યું છે. જ્યારે ચેન્નાઈનો એવ રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. તેઓ ચાર અવે મેચમાંથી ત્રણ હાર્યા છે ને એક જીત્યા છે. 

પંજાબ ઘરઆંગણે, બેંગાલુરુ પ્રવાસી ટીમ તરીકે ફ્લોપ

આઇપીએલની આ સિઝનમાં પંજાબની ટીમ ઘરઆંગણાની અને બેંગાલુરુ પ્રવાસી ટીમ તરીકે સૌથી ફ્લોપ સાબિત થઈ છે. પંજાબની મેચીસ આ વખતે મુલ્લનપુર ખાતે રમાઈ રહી છે. જોકે આ સ્થળ યજમાન ટીમને ફળ્યું નથી. પંજાબ ઘરઆંગણે પાંચ મેચ રમ્યું છે, જેમાંથી ચારમાં તેમનો પરાજય થયો છે. જ્યારે બેંગાલુરુની ટીમ અત્યાર સુધીમાં પાંચ અવે મેચ રમી છે અને તેમાંથી ચાર મેચ હારી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *