T20 World Cup 2024: આ વર્ષે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ રમાનાર છે ત્યારે ભારતીય ટીમમાં કોની પસંદગી થશે તેને લઈને ફેન્સમાં અત્યારથી જ ચર્ચા શરુ થઈ ગઈ છે. યુવરાજ સિંહની નિવૃતી બાદ ચોથા નંબરના સ્થાનને લઈને ભારતીય ટીમનું કોકડું ગૂંચવાયું છે. જો કે એક સમયે સૂર્યકુમાર યાદવનું સ્થાન યોગ્ય લાગતું હતું પરંતુ મેજર ટુર્નામેન્ટમાં સૂર્યકુમાર ફ્લોપ સાબિત થતા તેનું સ્થાન પણ નિશ્ચિત માનવામાં આવતું નથી. પરંતુ હવે ભારતને આ સ્થાન માટે એક એવો ખેલાડી મળ્યો છે, જે ન માત્ર સૂર્યાનું સ્થાન લઈ શકે છે, પરંતુ સૂર્યાનો પ્રો વર્ઝન પણ કહેવાય છે.
સૂર્યકુમારને કેપ્ટન તરીકે તક મળી
સૂર્યકુમારને ભારતીય ટીમના કેપ્ટન તરીકે તક મળી છે. હજુ પણ હાર્દિક પંડ્યાની સાથે સૂર્યકુમાર યાદવનું નામ પણ T20 ક્રિકેટમાં ભારતીય ટીમના આગામી કેપ્ટન બનવાની રેસમાં આવે છે. પરંતુ હવે ભારતને એક એવો ખેલાડી મળ્યો છે જે સૂર્યકુમારનું સ્થાન લઈ શકે છે. આ ખેલાડીને ચોથા સ્થાન માટે સૌથી પરફેક્ટ માનવામાં આવે છે.
શશાંકની બેટિંગથી બધા ચોંકી ગયા
આ ખેલાડી એટલે બીજું કોઈ નહીં પણ પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટર શશાંક સિંહ છે. શશાંક જે પ્રકારની બેટિંગ કરે છે તેનાથી બધા ચોંકી ગયા છે. શશાંકને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પણ ચોથા સ્થાને બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો, જેમાં શશાંકની તોફાની ઈનિંગ જોવા મળી હતી. કેકેઆર સામે માત્ર 28 બોલમાં જ 68 રન ફટકારી દીધા હતા. જેમાં બે ચોગ્ગા અને આઠ શાનદાર છગ્ગા પણ ફટકાર્યા હતા.
શશાંક સૂર્યાનું પ્રો વર્ઝન
શશાંક આ IPL સિઝનમાં અત્યાર સુધી 9 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 182ના સ્ટ્રાઈક રેટથી 263 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ શશાંકને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયાના ચાહકો શશાંકને સૂર્યાનું પ્રો વર્ઝન કહી રહ્યા છે.