– દેશ બેલેટ પેપરના ભૂતકાળ તરફ પાછો નહીં જ ફરે : સુપ્રીમ કોર્ટની ગેરંટી
– કોઈપણ સિસ્ટમ પર આંખ બંધ કરીને શંકા કરવી અયોગ્ય, ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન માટેની બધી જ અરજી ફગાવાઈ
– બીજા અને ત્રીજા નંબરના ઉમેદવાર પોતાના ખર્ચે ૭ દિવસની અંદર પરીણામની તપાસની માગ કરી શકશે
નવી દિલ્હી: દેશમાં એકબાજુ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે તેવા સમયે સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મુદ્દે શુક્રવારે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ કરતી દીધું હતું કે, તેઓ દેશને પાછો બેલેટ પેપરથી ચૂંટણીના ભૂતકાળમાં નહીં ધકેલે. વધુમાં સુપ્રીમે ઈવીએમ અને વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશનની માગણી કરતી અરજીઓ પણ ફગાવી દીધી હતી. જોકે, સુપ્રીમે ઈવીએમ
૪૫ દિવસ સુધી સુરક્ષિત રાખવા અને પરિણામો પછી ૭ દિવસની અંદર ફરિયાદ કરવામાં આવે તો તેની તપાસ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. આ સાથે ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે, ઈવીએમ-વીવીપેટ મુદ્દે અમારું વલણ પુરાવા પર આધારિત રહ્યું છે. હવે હંમેશ માટે આ વિવાદ પર વિરામ મુકાઈ જવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશનની માગણી સંબંધિત બધી જ અરજીઓ ફગાવી દી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધશી સંજિવ ખન્ના અને દીપાંકતર દત્તાની બેન્ચે સર્વસમતિથી આ ચૂકાદો આપ્યો હતો. માર્ચ ૨૦૨૩માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ ૧૦૦ ટકા ઈવીએમ મત અને વીવીપેટની કાપલીઓનું ક્રોસ વેરિફિકેશન કરવા માગ કરતી અરજી કરી હતી. આ સાથે અન્ય કેટલાકે દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી હતી.
ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે, અમે બધી જ અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે એવા પણ નિર્દેશ આપ્યા છે કે ચૂંટણી પછી પ્રતીક લોડિંગ યુનિટોને પણ સીલ કરીને સુરક્ષિત રાખવામાં આવે. કોર્ટે નિર્દેશ આપ્યા છે કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત પછી ટેકનિકલની એક ટીમ દ્વારા ઈવીએમના માઈક્રો કંટ્રોલર પ્રોગ્રામની તપાસ કરાવવાનો વિકલ્પ હશે, જેને ચૂંટણીની જાહેરાતના ૭ દિવસની અંદર કરી શકાશે.
દરમિયાન ઈવીએમ-વીવીપેટ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લીધો હતો. બિહારના અરરિયામાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કરી દીધું છે કે, બેલેટ પેપરવાળા દિવસો ફરી પાછા નહીં આવે. તેમણે રાજદ અને કોંગ્રેસ સહિત ઈન્ડી ગઠબંધનની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મતપેટીઓ લૂંટનારાઓને જોરદાર તમાચો છે. મતદાન કાપલીઓની ગણતરી મુદ્દે કોર્ટે કહ્યું કે, પ્રતીક લોડિંગ યુનિટ્સને કન્ટેનરમાં સીલ કરી દેવાશે. તેના પર ઉમેદવારોના હસ્તાક્ષર રહેશે અને પરીણામો જાહેર થયાના ૪૫ દિવસ સુધી તેને સ્ટ્રોંગ રૂમમાં રખાશે. એટલે કે પરીણામો જાહેર થયાના ૪૫ દિવસ સુધી ઈવીએમનો ડેટા અને રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે. ચૂંટણી પરીણામમાં બીજા અને ત્રીજા નંબર પર આવેલા ઉમેદવાર ઈચ્છે તો પરિણામ આવ્યાના સાત દિવસમાં ફરીથી તપાસની માગ કરી શકે છે. આવી સ્થિતિમાં એન્જિનિયરોની એક ટીમ દ્વારા માઈક્રો કંટ્રોલરની મેમરીની તપાસ કરાશે. આ બે મહત્વપૂર્ણ નિર્દેશો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યા હતા. વધુમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વીવીપેટની કાપલીઓની ગણતરી માટે મશીનની મદદ લેવાની સંભાવનાઓ ચકાસવાનું સૂચન કર્યું હતું.
ન્યાયાધીશ ખન્નાએ કહ્યું કે વીવીપેટ વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારોએ જાતે જ ઉઠાવવો પડશે. ઈવીએમમાં ગડબડ જણાશે તો ખર્ચ પાછો અપાશે. ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું કે કોઈપણ સિસ્ટમ પર આંખ બંધ કરીને શંકા કરવી યોગ્ય નથી. બધા જ સ્તંત્રો વચ્ચે સદભાવ અને વિશ્વાસ જાળવી રાખવામાં આવે તેને લોકતંત્ર કહેવાય. વિશ્વાસ અને સહયોગની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને જ આપણે લોકતંત્રના અવાજને મજબૂત કરી શકીશું.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ચૂંટણીની નિયંત્રણ ઓથોરિટી નથી. કોર્ટે ઈવીએમ મુદ્દા પર બે વખત દખલ કરી છે. બેન્ચે યાદ કરાવ્યું કે, સુપ્રીમ કોર્ટે આ પહેલા વીવીપેટ પર બે આદેશ આપ્યા હતા, જે એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે અને મતદારોને એ જોવા સક્ષમ બનાવે છે કે તેમના મત યોગ્ય રીતે નોંધાઈ રહ્યા છે કે નહીં. કોર્ટે ચૂંટણી દરમિયાન વીવીપેટના ઉપયોગ અંગે એક આદેશ આપ્યો હતો. તે સમયે કોર્ટે વીવીપેટનો ઉપયોગ એકથી વધારીને પાંચ બૂથો સુધી કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે જરૂર પડશે તો વર્તમાન ઈવીએમ સિસ્ટમને મજબૂત કરવા માટે નિર્દેશ અપાશે.
– ભારતને નબળું પાડવાના પ્રયાસોને રોકવા પડશે ઃ જસ્ટિસ દત્તા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપાંકર દત્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતની વિકાસ પ્રક્રિયાને શક્ય હોય તેવા દરેક મોરચા પરથી નબળી પાડવા, બદનામ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે અને આવા પ્રયત્નોને શરૂઆતથી જ રોકવા પડશે. તથ્યો અને પરિસ્થિતિઓના આધારે દેશમાં ચૂંટણી માટે પેપર બેલેટ સિસ્ટમ પર પાછા ફરવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. કેટલાક અંગત સ્વાર્થી જૂથો તરફથી રાષ્ટ્રની સિદ્ધિઓ અને ગુણોને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.