Rajasthan Lok Sabha Election 2024 : રાજસ્થાનમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જોકે મતદાન પહેલા I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ હનુમાન બેનીવાલ (Hanuman Beniwal)ની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ બાડમેર-જેસલમેર લોકસભા મતવિસ્તારમાં ભાજપને સમર્થન આપી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. આરએલપીએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસે ગઠબંધનના ધર્મનું પાલન ન કર્યું હોવાનો આક્ષેપ

આરએલપીના જિલ્લા સંયોજક ગજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીનું કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન છે, પરંતુ બાડમેર જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ ગઠબંધનના ધર્મનું પાલન કરી રહ્યાં નથી. તેઓ આરએલપીને ખતમ કરવા માગે છે, તેથી જ અમે ચૂંટણીના પ્રચારમાં બેનીવાલની સભાનું આયોજન પણ કર્યું ન હતું. આ કારણે કાર્યકરો પણ રોષે ભરાયા છે, ત્યારે આજે આરએલપીના કાર્યકરોએ બેઠક યોજીને ભાજપ ઉમેદવાર કૈલાશ ચૌધરી (Kailash Choudhary)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

‘કોંગ્રેસ નેતાઓએ જ બેનીવાલ પર હુમલો કરાવ્યો’

આરએલપીએ વર્ષ 2019માં હનુમાન બેનીવાલ અને કૈલાશ ચૌધરી પર બાયતુમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘આ જ કોંગ્રેસના નેતાઓએ આરએલપીના વડા હનુમાન બેનીવાલ પર હુમલો કરાવ્યો હતો અને હુ પણ કોંગ્રેસના નેતાઓ બાડમેરમાં આરએલપીને ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ જ કારણે અમારા કાર્યકર્તાઓએ ભાજપ ઉમેદવારને મજબૂતી સાથે સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.’

કૈલાશ ચૌધરીએ આરએલપીનો આભાર માન્યો

કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરીએ આરએલપીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘રાષ્ટ્રવાદથી પ્રેરિત જિલ્લાભરની તમામ વિધાનસભાના આરએલપી કાર્યકરોએ પીએમ મોદીને મજબૂત કરવા ભાજપને સમર્થન આપ્યું છે અને તેનાથી ચૂંટણીમાં ભાજપ મજબૂત થશે. આ દરમિયાન મોટી સંખ્યામાં આરએલપીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આવતીકાલે રાજસ્થાનની 13 બેઠકો પર મતદાન

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં લોકસભાની કુલ 25 બેઠકો છે, જેમાંથી 19 એપ્રિલે પહેલા તબક્કા હેઠળ 12 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે બાકીની 13 બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે. રાજ્યની બાડમેર લોકસભા બેઠક ખુબ જ રસપ્રદ બની છે. કારણ કે આ બેઠક પર ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારામ અને અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati) ચૂંટણી મેદાનમાં હોવાથી ત્રિકોણીય જંગ જોવા મળશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *