Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર મતદાન શુક્રવારે પૂર્ણ થઇ ગયું છે. બીજા તબક્કામાં સરેરાશ મતદાન ૬૧ ટકા નોંધાયું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન ઇવીએમ સાથે ચેડા અને બોગસ વોટિંગના કેટલાક આરોપો થયા હતા. ઉત્તર પ્રદેશના મથુરા, રાજસ્થાનના બાંસવાડા અને મહારાષ્ટ્રના પરભાનીમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોના લોકોએ વિવિધ પ્રશ્નોને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જોકે મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમી છતા મતદારો મતદાન કરવા નિકળ્યા હતા. આ દરમિયાન હિંસાની કોઇ મોટી ઘટના સામે નહોતી આવી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ શાંતિપૂર્વક મતદાન થયું હતું.  

ત્રિપુરામાં સૌથી વધુ ૭૮.૫૩, મણિપુરમાં ૭૭.૧૮ જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મામૂલી ૫૩ ટકા જેટલું મતદાન

પ્રાપ્ત આંકડા અનુસાર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારી આશરે ૬૦.૯૬ ટકા સુધી પહોંચી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આંકડો હજુ વધી શકે છે. જે લોકોએ અંતિમ કલાકમાં મતદાન મથકમાં પ્રવેશ લઇ લીધો હોય તેમને મતદાન કરવા દેવાશે. ત્રિપુરામાં સૌથી વધુ ૭૮.૫૩ ટકા મતદાન થયું હતું, જ્યારે હિંસાગ્રસ્ત મણિપુરમાં ૭૭.૧૮ ટકા મતદાન થયું હતું.  જોકે ઉત્તર પ્રદેશમાં માત્ર ૫૩.૭૧ ટકા અને મહારાષ્ટ્રમાં ૫૩.૮૪ ટકા મતદાન થયું હતું.  

કેરળની તમામ ૨૦ બેઠકો પર, કર્ણાટકની ૨૮, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ આઠ, મધ્ય પ્રદેશની ૬, આસામ અને બિહારની પાંચ પાંચ, છત્તીસગઢ અને બંગાળની ત્રણ-ત્રણ બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે મણીપુર, ત્રિપુરા, જમ્મુ કાશ્મીરમાં એક-એક બેઠક પર મતદાન થયું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, શશી થરૂર, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, અભિનેતામાંથી રાજનેતા બનેલા અરુણ ગોવિલ, કર્ણાટકના  ઉપમુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઇ ડીકે સુરેશ, પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી બીજા તબક્કામાં ઉમેદવાર છે. જેમનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં કેદ થયું હતું. અન્ય ચર્ચાસ્પદ ઉમેદવારોમાં હેમા માલિની, ઓમ બિરલા, ગજેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે.

 અન્ય રાજ્યોના મતદાનની ટકાવારી પર નજર કરીએ તો કેરળમાં ૬૫.૨૩ ટકા મતદાન થયું હતું, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઇવીએમ ખરાબ થવા તેમજ બોગસ વોટિંગના અહેવાલો સામે આવ્યા હતા. જેને કારણે પ્રભાવિત મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાને અસર પહોંચી હતી. અહીંયા ગરમી તેમજ વધુ ઉંમરને કારણે એક પોલિંગ એજન્ટ અને આઠ જેટલા મતદારો સહિત કુલ નવના મોત નિપજ્યા હતા. આસામમાં પાંચ બેઠકો પર આશરે ૭૦.૬૮ ટકા મતદાન થયું હતું. કર્ણાટકમાં ૬૪.૮૫ ટકા મતદાન થયું હતું અહીંયા બેંગ્લોર દક્ષિણના ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે ધર્મના નામે મત માગવા બદલ ફરિયાદ દાખલ થયાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું. અન્ય એક ભાજપના નેતા ટીસી રવી સામે પણ નફરત ફેલાવવા બદલ ફરિયાદ દાખલ કરાઇ હતી. બેંગલુરુમાં એક ખાનગી હોસ્પિટલના ૪૧ જેટલા દર્દીઓએ મતદાન કર્યું હતું, તેમને એમ્બ્યૂલંસથી બૂથ સુધી લઇ જવા ગ્રીન કોરિડોર તૈયાર કરાયો હતો. બીજા તબક્કા સાથે જ હવે રાજસ્થાન, કેરળ, ત્રિપુરા અને તામિલનાડુમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ૯૪ બેઠકો પર મતદાન થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *