Image: Facebook
T20 World Cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યની ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ICCએ ટીમ પસંદ કરવા માટે પહેલી મે ની સમય મર્યાદા આપી છે તેથી BCCI આ અઠવાડિયાના અંતમાં કે પછી આગામી અઠવાડિયાની શરૂઆતમાં ટીમની જાહેરાત કરી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય બની ગયો છે જ્યારે બીજા વિકેટકીપર માટે સંજૂ સેમસનથી કેએલ રાહુલ આગળ ચાલી રહ્યો છે. સેલેક્ટર્સ જ્યારે ટીમ પસંદ કરવા માટે બેસશે તો તેમની સામે વધારાના બોલર પસંદ કરવાની દ્વિધા ઊભી થશે. હવે જોવાનું એ રહેશે કે તે ઝડપી બોલર આવેશ ખાનને પસંદ કરે છે કે પછી ધીમી પિચને જોતા રવિ બિશ્નોઈ કે ઓલરાઉન્ડર અક્ષર પટેલમાંથી કોઈ એકને તક આપે છે.
શિવમ કે હાર્દિકમાંથી કોણ?
હાર્દિક પંડ્યાએ IPL માં આઠ મેચમાં 17 ઓવર નાખી છે. અત્યાર સુધીમાં તે સાત સિક્સર જ ફટકારી શક્યો છે. તેના બેટથી 150 રન જ નીકળ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 142 રહ્યો છે. જોકે હજુ હાર્દિકનો કોઈ વિકલ્પ નજર આવી રહ્યો નથી કેમ કે શિવમ દુબેએ અત્યાર સુધીમાં એક પણ ઓવર બોલિંગ કરી નથી.
કૌશલ્ય અને ઝડપના મામલે બોલિંગમાં શિવમ ક્યાંય પણ હાર્દિકના સમકક્ષ નથી પરંતુ બોલિંગમાં તે શાનદાર ફોર્મમાં છે, જેનાથી તેમને અવગણી શકાય નહીં.
રિષભ પંતનું રમવાનું પાક્કું
IPL માં 161ના સ્ટ્રાઈક રેટથી 342 રન બનાવી ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધુ છે. બીજા વિકેટકીપર માટે કેએલ રાહુલ અને સંજૂ સેમસનની વચ્ચે આકરી મેચ છે.
બોલર્સમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું સ્થાન લગભગ પાક્કું છે. આમ તો બુમરાહ અને કુલદીપ સિવાય અન્ય બોલર્સ IPL માં ફોર્મમાં નથી તેથી વધારાના બોલરનો વિકલ્પ મહત્વનો હશે.
આ માટે આવેશ, અક્ષર અને બિશ્નોઈની વચ્ચે મેચ છે. આવેશે લગભગ નવ ના ઈકોનોમી રેટથી આઠ વિકેટ લીધી છે જ્યારે બિશ્નોઈએ નવ ની અંદરના ઈકોનોમી રેટથી પાંચ વિકેટ લીધી છે. અક્ષરે સાત વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ સાતની આસપાસ રહ્યો છે. તે બેટિંગમાં પણ 132 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.