અમદાવાદ, ગુરુવાર
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે સાઇબર ગઠિયા અવનવી યુક્તિ અપનાવીને લોકોને છેતરી રહ્યા છે. ગાંધીનગર આઇ.ટી કંપનીમાં નોકરી કરતા યુવકને રૃપિયા કમાવવાની લાલચ આપીને સાઇબર ગઠિયાએ ટુકડે ટુકડે રૃા.૧.૮૪ લાખ પડાવી લીધા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્ટ ટાઇમ જોબની લિંક ઓપન કરી તો ટાસ્ક ગૃપમાં એડ કરીને ૫૦૦૦ના ૬૬૦૦ આપ્યા લાલચમાં નરોડાના યુવકે ટુકડે ટુકડે રૃપિયા ભરી લાખો ગુમાવ્યા
આ કેસની વિગત એવી છે કે નરોડામાં રહેતા અને ગાંધીનગર આઇ.ટી.કંપનીમાં બી.પી.ઓમાં નોકરી કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બેન્ક ખાતા ધારક સહિત ત્રણ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩ ડિસેમ્બરના રોજ યુવકને મોબાઇલ ફોનમાંવોટ્સએપમાં અજાણી વ્યક્તિએ તમારે પાર્ટ ટાઇમ જોબ કરવી હોય તો આપેલ લિંક ઓપન કરો તેવો મેસેજ કર્યો હતો જેથી યુવકે લિંક ઓપન કરી યુવકે રિવ્યું આપ્યો હતો.
ત્યારબાદ એક ટેલીગ્રામ ચેલનમાં મેમ્બર બનાવ્યો હતો જેમાં બીજા ૩૦૦ મેમ્બર હતા. જેમાં જુદા જુદા ટાસ્ક આપતા હતા અને જુદી જુદી હોટલના લોકેશન મોકલતા તેમાં રિવ્યુંના ફોટા ગૃપમાં મોકલતા હતા. ફોટા મોકલ્યા બાદ ૬૦ રૃપિયા કમિશન આપતા હતા. જ્યારે ૧૫૦ બેલેન્સ થાય એટલે બેન્ક એકાઉન્ટમાં જમા કરી આપતા હતા. વિશ્વાસ કેળવીને ૫૦૦૦ ના ૬૬૦૦ લઇ જવાની ટાસ્ક આપતા હતા જેથી યુવકે લાલચમાં ટુકડે ટુકડે રૃા. ૧,૮૪,૮૦૦ ભર્યા બાદ પૈસા પાછા મેળવવા બીજા રૃપિયાની માંગણી કરી હતી. જેને લઇને પોતે છેતરાયા હોવાની ખબર પડી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.