Lok Sabha election 2024 Phase 2 : દેશમાં 19મી એપ્રિલે 102 બેઠકો પર લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો પ મતદાન યોજાશે, ત્યારે ઉત્તર પ્રદેશની આઠ બેઠકો પરના ચૂંટણી સમીકરણો ભાજપનું ટેન્શન વધારી શકે છે. આ આઠ બેઠકોમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાજિયાબાદ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં હેમા માલિની, અરૂણ ગોવિલના ભાવિનો ફેંસલો
26મીએ જે બેઠકો પર મતદાન યોજાવાનું છે તેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની (Hema Malini) અને મેરઠથી ચૂંટણી લડી રહેલા ‘રામાયણ’ સિરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ (Arun Govil)નો પણ સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં જે રીતે ચૂંટણી યોજાઈ, તે જોતા BJPના માથે ચિંતા લકીર ખેંચાઈ હશે. તેથી જ ભાજપ બીજા તબક્કાના મતદાન માટે વધુ સતર્ક થઈ ગઈ છે. એવું કહેવાય છે કે, બીજા તબક્કાની આ બેઠકો પર એવો માહોલ ઉભો થયો છે કે, તેના કારણે ભાજપ નાખુશ થઈ શકે છે અને તેના પાછળ સૌથી મોટું કારણ ચાર મોટા પડકારો છે.
1…ગરમી બની ભાજપ માટે ખલનાયક
પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની આઠ બેઠકો પર માત્ર 60.25 ટકા મતદાન થતા ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. એવું કહેવાય છે કે, ઓછા મતદાનથી ભાજપને હંમેશા નુકસાન થયું છે. કદાચ આ જ કારણ છે કે, ભાજપે દરેક બૂથ પર સંપૂર્ણ સંક્રિય સાથે ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો છે. બીજા તબક્કા માટે નવી રણનીતિ પર કામ શરૂ થઈ ગયું છે. ભાજપે પન્ના પ્રમુખોને દરેક બૂથ પરથી વધુમાં વધુ મતદારો લાવવાનો ટાર્ગેટ આપ્યો છે. એક પન્ના પ્રમુખ 60 મતદારો લાવવાની જવાબદારી નિભાવશે. આ કામ માટે યુપી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોની સાથે સંગઠનના અધિકારીઓને દરેક જિલ્લામાં જવાબદારી સોંપાઈ છે. પ્રથમ તબક્કા કરતા બીજા તબક્કામાં અસહ્ય ગરમી હશે તો ભાજપના મતદારો બેદરકાર બની શકે છે.
2…રૂપાલાની અસર ઉત્તર પ્રદેશમાં
ભાજપે આ વખતે બે વખતના સાંસદ જનરલ (નિવૃત્ત) વી.કે.સિંહને ટિકિટ આપી નથી, જેના કારણે અહીં પ્રતિનિધિત્વને લઈને ક્ષત્રિયોમાં રોષ છે. ગુજરાતમાં ભાજપના નેતા રૂપાલાના નિવેદનથી નારાજ ઠાકુરોએ ઘણી જગ્યાએ રાજપૂત સંમેલનોનું આયોજન કર્યું છે. રાજપૂત સમાજને ભાજપને મત નહીં આપવાના શપથ અપાયા છે. એટલું જ નહીં, BSPએ ગાઝિયાબાદ અને નોઈડામાં રાજપૂત ઉમેદવારોને, ગાઝિયાબાદમાં ભાજપે વૈશ્ય અતુલ ગર્ગને, બીએસપીએ નંદ કિશોર પુંડિર ઠાકુરને અને કોંગ્રેસે (Congress) ડોલી શર્મા બ્રાહ્મણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. નોઈડામાં ભાજપે ફરી પૂર્વ મંત્રી અને બે વખતના સાંસદ મહેશ શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે તેમની સામે સમાજવાદી પાર્ટીના ડૉ.મહેન્દ્ર નાગર, એક ગુર્જર અને બીએસપીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સોલંકી રાજપૂત ચૂંટણી મેદાનમાં છે. એવું કહેવાય છે કે, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધનગર બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે, તેથી રાજપૂતોની નારાજગીની કદાચ કોઈ અસર નહીં થાય, પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશની અન્ય બેઠકોમાં જ્યાં ભાજપ પલડું ગગડેલું છે ત્યાં રાજપૂતોની નારાજગીની અસર થઈ શકે છે અને રાજપૂતો ભાજપને મોટું નુકસાન કરી શકે છે.
3…ભાજપને નડી શકે છે સ્થાનિક મુદ્દાઓ
ભાજપ ઈચ્છે છે કે, જો ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi)ના નામ પર વોટ પડે તો ભાજપને ફાયદો થઈ શકે. પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશની આ બેઠકો પર વિપક્ષે સ્થાનિક મુદ્દાઓ પર ભાર આપી પોતાના તરફી માહોલ બનાવ્યો છે. સ્થાનિક મુદ્દાઓના કારણે ભાજપને ઘણા મતોનું નુકસાન થઈ શકે છે. બીએસપીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે મેરઠ, બાગપત, બુલંદશહેર સીટો પર શેરડીના ભાવ અને તેની સમયસર ચુકવણી, રખડતા પ્રાણીઓની સમસ્યા, વધતી કિંમતો અને બંધ ફેક્ટરીઓ જેવા મુદ્દાઓ પર છવાયા છે. મથુરામાં મતદારો યમુનાની સફાઈ, ધાર્મિક પર્યટનના વિકાસ અને નવા ઉદ્યોગોની સ્થાપના જેવા મુદ્દાઓને ધ્યાને લઈ મત આપવાની વાત કરી રહ્યા છે. ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરના મતદારો વચ્ચે ફ્લેટની નોંધણી, જમીન સંપાદન અને વળતર મેળવવામાં વિલંબ જેવા મુદ્દાઓ ચગેલા છે.
4…BSP ભાજપની બી ટીમ, છતાં પહોંચાડશે નુકસાન?
એવું કહેવાય છે કે, બસપા ઉત્તર પ્રદેશમાં ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ નુકસાન બસપા જ કરી રહ્યું છે. બસપાએ પસંદગીપૂર્વક એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધનગરમાં રાજપૂતો ભાજપથી નારાજ થયા હોવાનું જોતા બસપાએ આ બંને બેઠકો પર રાજપૂત ઉમેદવારોને ટિકિટ આપી છે. મેરઠ લોકસભા બેઠક માટે ભાજપે અરુણ ગોવિલને જ્યારે બીએસપીએ દેવવ્રત ત્યાગીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અહીં પણ ત્યાગી ઉમેદવારના કારણે ભાજપની મુશ્કેલી વધી શકે છે. અલીગઢમાં ભાજપે વર્તમાન સાંસદ સતીશ ગૌતમને અને બસપાએ ભાજપમાંથી આવેલા અને બ્રાહ્મણ એવા હિતેન્દ્ર કુમાર પર નસીબ અજમાવ્યું છે. ફિલ્મ અભિનેત્રી હેમા માલિની મથુરામાંથી સતત બે વખત ચૂંટણી જીત્યા છે, તે જોતા ભાજપે તેમને ફરી ટિકિટ આપી છે. તો માલિની સામે બીએસપીએ જાટ સમુદાયના પૂર્વ આઈઆરએસ ઉમેદવાર સુરેશ સિંહને ટિકિટ આપી છે. સ્વાભાવિક છે કે મથુરા સીટ પર જાટોના વોટ કપાવાનું નિશ્ચિત છે.