– મોટરસાયકલ પર સવાર અજ્ઞાાત હુમલાખોરોનો ગોળીબાર 

– મૃતક સૌરવકુમાર અને તેમના સાથી મુનમુનકુમાર લગ્નમાંથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે હુમલો કરાયો

પટણા : પટણા જિલ્લાના પુનપુન વિસ્તારમાં મોટરસાયકલ સવાર અજ્ઞાાત હુમલાખોરોએ  બુધવાર રાતે જનતા દળ (યુનાઇટેડ)ના એક નેતાની ગોળી મારી હત્યા કરી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

પટણાના એસડીપીઓ કન્હૈયા સિંહે પત્રકારોને જણાવ્યું છે કે મૃતકની ઓળખ સૌરવકુમાર તરીકે કરવામાં આવી છે. તેમની સાથે હાજર અન્ય એક વ્યકિત મુનમુન  કુમાર ગોળીબારમાં ઘાયલ થયા છે અને તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું હતું કે આ ઘટના બુધવાર રાતે ૧૨.૧૫ કલાકે એ સમયે બની હતી જ્યારે સૌરવ અને મુનમુન પુનપુન ક્ષેત્રના પરસા બજારમાંથી એક લગ્ન સમારંભમાં ભાગ લઇને પરત ફરી રહ્યાં હતાં. તે સમયે મોટરસાયકલ પર કેટલાક અજ્ઞાાત હુમલાખોરો આવ્યા હતાં અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરી ફરાર થઇ ગયા હતાં. બંનેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જ્યાં સૌરવે અંતિમ શ્વાસ લીધા હતાં. મુનમુનની સ્થિતિ સ્થિર દર્શાવવામાં આવી છે. 

પોલીસ હુમલાખોરોને પકડવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને પરિવારજનો સાથે પૂછપરછ કરી રહી છે. આ ઘટનાના વિરોેધમાં સ્થાનિક લોકોએ દેખાવો કર્યા હતાં જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. પટણાના એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *