Palestine Protests in America : અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો વધતા રાષ્ટ્રપતિ જો બાઈડેન તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વિરોધ એટલો બધો વધી ગયો છે કે, અમેરિકાની સરકાર પણ ગભરાઈ ગઈ છે. દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, સરકારે ઘણી યુનિવર્સિટીઓ બંધ રાખવાનો નિર્ણય લઈને ઓનલાઈન ક્લાસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાલ અમેરિકાની ઘણી યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને કેટલાક સ્થળે વિરોધ પ્રદર્શન કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે 100થી વધુ લોકો સામે કેસ નોંધ્યા છે.
21 યુનિવર્સિટીમાં વિરોધ-પ્રદર્શન
છેલ્લા ઘણા દિવસોથી કેલિફોર્નિયાથી લઈને ન્યૂયોર્ક (New York) સુધી અમેરિકાની 21 યુનિવર્સિટીમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ઘણા લોકો યુનિવર્સિટીના પરિસરમાં તંબુ લગાવીને બેસી ગયા છે. ન્યૂયોર્ક પોલીસે યુનિવર્સિટી ઑફ ન્યૂયોર્ક અને યેલે યુનિવર્સિટીના તંત્રને સોમવારે સમન્સ પાઠવી કહ્યું છે કે, તેઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં ચાલી રહેલા પ્રદર્શનનો નિવેડો લાવે. વિરોધ-પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા બાદ સરકારે 21 યુનિવર્સિટીઓને ઓનલાઈન ક્લાસ ચલાવવાનો આદેશ આપ્યો છે, જ્યારે કેટલીક કૉલેજોને બંધ કરી દેવાઈ છે.
100થી વધુ લોકો સામે કેસ
આ ઘટનામાં અમેરિકન પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. જે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે, તેમાં યુનિવર્સિટી ઑફ ટેક્સાસ (Texas University) અને યુનિવર્સિટી ઑફ સદર્ન કેલિફોર્નિયા વગેરે સામેલ છે. ટેક્સાસની યુનિવર્સિટીમાંથી 34 લોકોની, જ્યારે કેલિફોર્નિયાની યુનિવર્સિટી (California University)માંથી 93થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં 100થી વધુ લોકો સામે કેસ નોંધ્યા છે.
વિરોધની ઝપેટમાં આવ્યા અમેરિકી સ્પીકર
અમેરિકન સંસદના સ્પીકર માઈક જૉન્સને તાજેતરમાં જ કોલંબિયા યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ પેલેસ્ટાઈની સમર્થકોના વિરોધની ઝપેટમાં આવી ગયા હતા. આ મામલે જૉનસે આકરી ટીકા કરી હરકતને યહૂદી વિરોધી વાયરસ કહ્યો હતો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ કૉલેજ કેમ્પસમાં ઈઝરાયેલ (Israel) વિરોધી નારા લગાવી રહ્યા છે.