– AI માનવ અધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન છે
– દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી માંડ ગોઠવાયેલી વિશ્વ વ્યવસ્થા રશિયા, ઇઝરાયેલ અને ચાયના તોડી પાડવા સક્રિય બની રહ્યાં છે
લંડન : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે બુધવારે કહ્યું હતું કે, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી માંડ ગોઠવાયેલી વિશ્વ વ્યવસ્થા ભાંગી પડવાની અણી ઉપર છે. તે માટે વિશ્વમાં અનેક સ્થળોએ ચાલી રહેલા સંઘર્ષો, યુદ્ધો અને નિર્બંધ બની રહેલો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ મુખ્યત: કારણભૂત છે. તેમાં પણ છેલ્લા ૧૨ મહિનાથી જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તેથી આ વિધાનોની પ્રતીતી થાય છે તેમ ઇંગ્લેન્ડ સ્થિત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના સ્ટેટ ઓફ ધ હ્યુમન રાઇટસ નામક વાર્ષિક અહેવાલમાં તે સંસ્થાના મહામંત્રી અગ્નેસ કૉલર્મોડ એસોસિએટ ફ્રી પ્રેસ (એ.એફ.પી.)ને જણાવ્યું હતું. તેઓએ કહ્યું વિશેષત: છેલ્લા છ મહિનાથી અમેરિકા ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરાતા અપરાધોને છાવરી રહ્યું છે. યુનોની સલામતી સમિતિમાં વીટોનો વારંવાર ઉપયોગ કરી તેણે તે સંસ્થાને નિરર્થક બનાવી દીધી છે. તેણે વીટો દ્વારા ત્યાં યુદ્ધ વિરામને વારંવાર અટકાવ્યો છે.
તેઓએ કહ્યું કે, હમાસે ઓકટો. ૭ ના દિવસે ઇઝરાયલ પર હુમલો કરી આ યુદ્ધ છેડયું છે. તેમાં હમાસે ૧૭૦ જેટલા લોકોની હત્યા કરી હતી. તેમાં મોટાભાગના તો નાગરિકો જ હતા. તે સામે ઇઝરાયેલે કરેલા વળતા પ્રહારોમાં ગાઝા પટ્ટીમાં ૩૪,૧૮૩ લોકો માર્યા ગયા.
આ માનવ અધિકાર સંસ્થાએ વધુમાં કહ્યું હતું કે, તે સ્વીકાર્ય છે કે હમાસે તે દિવસે દક્ષિણ ઇઝરાયલમાં ભયંકર જુલ્મો કર્યા હતા. પરંતુ ઇઝરાયલે તે સામે જબરજસ્ત વળતા પ્રહારો કર્યા, ઇઝરાયલને તેના પશ્ચિમના મિત્રોએ અઢળક શસ્ત્રો આપી, હમાસ ખો ભૂલી જાય અને બીજી વખત તેમ કરવાની હિંમત ન કરે તેવી સ્થિતિ સર્જી રહ્યા છે.
કેલાર્મોડે તેઓના રિપોર્ટના આમુખમાં લખ્યું હતું કે, (ઇઝરાયલ) બોંબ મારાથી નાગરિકો, સિવિલયન, ઇન્ફ્રાસ્ટ્રકચર્સ અને માનવ અધિકારોની અવહેલના થઈ રહી છે.
રશિયા અને ચીન વિષે તેઓએ લખ્યું કે, તે બંને ૧૯૪૮ પછી સ્થપાયેલી વિશ્વ વ્યવસ્થા તોડી પાડવા સક્રિય બન્યા છે. યુક્રેનમાં રશિયા યુદ્ધ કેદીઓ ઉપર ત્રાસ વરસાવે છે અને યુદ્ધ કેદીઓ સાથેના વર્તાવ માટેના આંતરરાષ્ટ્રિય નિયમો તોડી નાખી રહ્યું છે.
ચીન તો ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય કાનૂનોનો ભંગ કરી રહ્યું છે. મ્યાનમારમાં નાગરિકો ઉપર થતા જુલ્મો છતાંએ તેનો બચાવ કરી રહ્યું છે. આ સંયોગોમાં તત્કાળ પગલાં લઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ માનવ અધિકારોનું રક્ષણ કરવા આગળ આવવું જ જોઈએ.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી એ માનવ અધિકારો સામેનો સૌથી મોટો ભય કહેતાં એગ્નેસ કેલાર્મોડે જણાવ્યું હતું કે તેથી (માનવ) અધિકારોનું વિકૃત રીતે ખંડન થઇ રહ્યું છે. તે સાથે જાતિવાદી નીતિઓને પણ ખોટી માહિતી દ્વારા પુષ્ટિ મળી શકે તેમ છે.
આ સાથે તેઓએ ટેક ફર્મસ ઉપર પણ આક્ષેપ મુકતાં લખ્યું છે કે, તે કંપનીઓ યુદ્ધની વિભીષિકા પ્રત્યે પણ આંખ મિચામણા કરી પોતાની (ઘાતક) ટેકનોલોજી વિકસાવી જ જાય છે.