Vadodara Corporation News : વડોદરા શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદ વચ્ચે માત્ર તહેવારો સમયે સક્રિય થઈ નમૂના લેતા ખોરાક શાખાની નિષ્કાળજી સપાટી પર આવી છે. કારેલીબાગ વિસ્તારમાં લાઈસન્સ વગર મંડપમાં થતા મરી મસાલાના વેચાણની જાણકારી મળતાં ખોરાક શાખાની ટીમ દોડતી થઈ હતી અને મસાલાનું વેચાણ બંધ કરાયું હતુ.
વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચાતી હોવાની અનેક ફરિયાદ કાઉન્સિલરો તેમજ માંજલપુરના ધારાસભ્યે કરી હતી. બીજી તરફ માત્ર તહેવાર સમયે જ એક્ટિવ થતી ખોરાક શાખાની ટીમની કામગીરી સામે પણ સવાલો ઊભા થતા રહે છે. ત્યારે બુધવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંડપ બાંધીને લાઈસન્સ વગર મરી મસાલાનું વેચાણ થતું હોવાની ચોકાવનારી બાબતો ધ્યાને આવી હતી.
કારેલીબાગમાં મુક્તાનંદ ચાર રસ્તા નજીક સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટ નામના મંડપના વેપારીએ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફુડ સેફ્ટી સર્ટિફિકેટ વગર મસાલાની ચીજવસ્તુઓનું વેચાણ કરતો હતો. ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે તપાસ કરી મરી મસાલાનું વેચાણ બંધ કરાવ્યું હતું.