Vadodara BJP News : એક તરફ સામી ચૂંટણીએ ભાજપના કેટલાક કાર્યકર્તાઓની દાદાગીરીનો ભોગ સામાન્ય નાગરિકો અને વેપારીઓ બની રહ્યા છે. જેને કારણે તેઓમાં આક્રોશ સાથે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વોર્ડ નંબર 10માં બનેલી એક ઘટના બાદ અહીં દુકાન ધરાવતા વેપારીને પાલિકાએ રૂપિયા 2000નો દંડ ફટકાર્યો હોવાનું કહેવાય રહ્યું છે.
તાજેતરમાં લોકસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપના કોષાધ્યક્ષ બ્રિજેશ કાપડિયા અને યુવા મોરચાના કાર્યકર વિક્રમ ગોત્રી વાસણા રોડ ખાતે આવેલ પારસ પાન ખાતે ગયા હતા. અહીં પાનના સંચાલકને ખુરશી આપવા જણાવ્યું હતું. જે બાદ પાનના સંચાલક વિનય ભાલવાનીએ તેઓને ખુરશી આપી હતી. તે પછી કોઈક બાબતે પાનના સંચાલકની બ્રિજેશ કાપડિયા તથા વિક્રમની દુકાન સંચાલક સાથે કોઈક બાબતે રકઝક થઈ હતી. ચાલતી ચર્ચા મુજબ આ પૈકીના એક કાર્યકરે તેને દુકાન બંધ કરાવી દેવાની મૌખિક ધમકી પણ ઉચ્ચારી હતી. જેથી મામલો વધુ બિચક્યો હતો. આ તરફ અહીં હાજર એક કાઉન્સિલર મુક પ્રેક્ષક તરીકે બેસી રહ્યા હતા. સમગ્ર ઘટના બાદ પાલિકાએ પારસ પાનના સંચાલકને દુકાનની બહાર કચરો નાખી ગંદકી કરેલ હોવાનું જણાવી રૂપિયા 2000નો દંડ ફટકાર્યો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના બની ત્યારે અહીં એક કાઉન્સિલર પણ હાજર હતા. હાલ ચૂંટણીનું માહોલ છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓના વલણથી સામાન્ય લોકો અને વેપારીઓમાં આવી ઘટનાઓના કારણે રોષ વધી રહ્યો હોવાની ખૂબ ચર્ચા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. દરેક પક્ષના કાર્યકર્તાઓ મર્યાદામાં રહે તે સામાન્ય નાગરિકો અને પક્ષના હિતમાં છે.