Madhwin Kamath Cyber Crime Ahmedabad : અમદાવાદમાં રહેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ટેનિસ પ્લેયર માધવીન કામથ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં તેણે તેની પરિચિત યુવતીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી ડાઉનલોડ કરીને મોર્ફ કર્યા બાદ યુવતીનો મોબાઇલ નંબર પોસ્ટરમાં ફોર એસ્કોર્ટ સર્વિસ લખીને બદનામ કરી હતી. યુવતીને અજાણ્યા મોબાઇલ ફોન પરથી અઘટિત માંગણી કરતા ફોન આવતા યુવતીને પોસ્ટર બાબતે જાણ થઇ હતી. ત્યાર પછી સાયબર ક્રાઇમે લગાવેલા પોસ્ટર અંગે સીસીટીવીને આધારે તપાસ કરતા માધવીન કામથ આ પોસ્ટર લગાવતો હોવાનું સામે આવ્યું હતું. હાલ સીસીટીવીને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ માધવીન કામથ ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી રહ્યો હોવાથી તે પરત આવે ત્યારબાદ પૂછપરછ કરીને કાર્યવાહી કરાશે.
સીસીટીવીમાં માધવીન પોસ્ટર લગાવતો હોવાનું જણાયું
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય યુવતીને છેલ્લાં 20 દિવસથી અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવતા હતા. જેમાં તેને કોલ કરનાર એસ્કોર્ટ ગર્લ તરીકે કહીને પરેશાન કરતા હતા. આ અંગે યુવતીને જાણવા મળ્યું હતું કે કોઇ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પરથી યુવતીનો ફોટો ડાઉનલોડ કરીને તેનુ પોસ્ટર બનાવ્યું હતું. આ પોસ્ટરમાં યુવતીના ફોટો નીચે મોબાઇલ નંબર લખીને ‘કૉલગર્લ ફોર ફન’ લખ્યું હતું. આ પોસ્ટરમાં લખેલા નંબર પર કોલ કરીને તેને પરેશાન કરવામાં આવતી હતી. જેથી આ અંગે સાયબર ક્રાઇમ સેલમાં તાત્કાલિક જાણ કરાઈ હતી. આ દરમિયાન પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને જે ત્રણ સ્થળે પોસ્ટર લગાવેલા હતા, તેની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક સીસીટીવી ફૂટેજમાં સ્કૂટર પર આવેલો યુવક પોસ્ટર લગાવતો દેખાયો હતો. આ ફૂટેજ યુવતીને બતાવવામાં આવતા તે ચોંકી ઉઠી હતી. કારણ કે પોસ્ટર લગાવનાર યુવકનું નામ માધવીન કામથ હતું .
આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન હાલ ફ્રાન્સમાં ટુર્નામેન્ટ રમે છે
જે આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયર છે. એટલું જ નહીં, તે આ યુવતીનો પરિચિત હતો. માધવીન કામથ હાલ ફ્રાન્સમાં ટેનિસ ટુર્નામેન્ટ રમવા ગયો હોવાથી તેના પરત આવ્યા બાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરાશે. જો કે તેને ગુનો નોંધાયો હોવાની માહિતી મળી ચૂકી હોવાથી તે ભારત પરત આવ્યા બાદ ધરપકડથી બચવા નાસી જઇ શકે છે. જેથી ક્રાઇમબ્રાંચે પૂરતી તૈયારી કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સીસીટીવી સૌથી મજબૂત પુરાવા છે. તે ભોગ બનનાર યુવતી સાથે પરિચયમાં હોવાથી કોઇ અંગત અદાવતમાં તેને બદનામ કરવા માટે આ કૃત્ય કર્યાની આશંકા છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.