Parshottam Rupala Controversy : રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્ જોવા મળતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મથામણ કરી રહ્યું છે. આજે (3 એપ્રિલે) અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
હવે યુદ્ધનું મેદાન રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રહેશે : કરણસિંહ ચાવડા
બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે, ‘આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી સમગ્ર ગુજરાત રહેશે. ગુજરાતમાં 75 લાખ અને દેશભરમાં 22 કરોડ રાજપૂત છે. ભાજપ માટે રુપાલા મહત્વના છે કે રાજપૂત સમાજ? આ આંદોલન માત્ર રુપાલા સામે જ છે. જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ 26 સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે. આગામી સમયમાં પોસ્ટર, બેનર, વિરોધ પ્રદર્શન સહિતની રણનીતિ ઘડવામાં આવશે.’
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે : ક્ષત્રિય સમાજ
ક્ષત્રિય સમાજે કહ્યું કે, ‘બેઠકમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.’ તો ક્ષત્રિય આગેવાન વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે, ‘રૂપાલાના પત્ની કે ભાઈને ટિકિટ આપો તો વાંધો નહીં.’
…તો રાજપૂત સમાજ એવું માનશે કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી : તૃપ્તિબા
તૃપ્તિબા રાઓલએ કહ્યું કે, ‘રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજપૂત સમાજ એવુ માની લેશે કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી.’ જ્યારે પદ્મિની બાએ કહ્યું કે, ‘આ લડાઈ અમારી માતા-બહેનોની અસ્મિતાની છે, ક્ષત્રિય સમાજમાં ક્યારેય બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. રૂપાલાની ટિકિટ રદ થાય એ જ માગ છે, સમાધાન નહીં.’
અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતિએ ફગાવી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ‘ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. પોતાના નિવેદન બદલ રુપાલાએ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ માફી માંગી ચૂક્યા છે. રાજપૂત સમાજ ક્ષમા આપવામાં માનનારો સમાજ છે. આથી રુપાલાને માફી આપવા અમે રાજપૂત કોર કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. જોકે તેમને માફી મંજુર નથી. સંકલન સમિતિના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતિએ એક સ્વરમાં ફગાવી છે. આજની બેઠકમાં તમામને સાંભળ્યા છે એ વાત અક્ષર સહ પાર્ટી સમક્ષ રજૂ કરીશું. હવે પક્ષ નિર્ણય લેશે. હવે બીજી કોઈ બેઠક નહીં થાય.’
ગઈકાલે સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજને કરી હતી વિનંતી
ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને દેખાવો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપ સતત ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યો છે. બીજી એપ્રિલે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે.
અમદાવાદમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક યોજાઈ હતી
આજે અઢી વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તિબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર છે. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલા આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.