Weather In Gujarat: ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 10મી અને 11મી એપ્રિલે ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. જો કે, આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે.
ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 10મી એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. જ્યારે 11મી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે (ગુરૂવારે) અમદાવાદમાં 35.7 ડિગ્રી, ડીસામાં 32.7, ગાંધીનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.8, સુરતમાં 36.7, વલસાડમાં 36.2, ભુજમાં 33.2, નલિયામાં 31.2, કંડલા પોર્ટમાં 31.3, અમરેલીમાં 38.2, ભાવનગરમાં 36.6, દ્વારકામાં 29.8, ઓખામાં 31.2, પોરબંદરમાં 33, રાજકોટમાં 38.6, વેરાવળમાં 31.4, સુરેન્દ્રનગરમાં 38.3, મહુવામાં 38.4 અને કેશોદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.