અમદાવાદ,બુધવાર
એક તરફ પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના દાવા કરી રહી છે તો બીજી તરફ ચોરી અને લૂંટફાટના દિવસેને દિવસે વધી રહ્યા છે. ઓઢવમાં શ્રમજીવી પરિવારના સભ્યો ધાબા ઉપર સૂતા હતા અને મધરાતે તસ્કરોએ ત્રાટકીને મકાનમાંથી રોકડા રૃા. ૭૯ હજાર તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૧.૫૩ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી બે તિજોરીમાંથી રોકડા ૭૯ હજાર તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી, જાણભેદુ હોવાની શંકા
ઓઢવ આદિનાથનગર પાસે નહેલપાર્ક સોસાયટી પાસે રાજીવપાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા જીગ્નેશભાઇ અરવિંદભાઇ ભાવસાર (ઉ.વ.૫૨)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨ના રોજ તેેઓ પરિવારજનો સાથે ધાબા ઉપર સૂવા ગયા અને આજે સવારે પાંચ વાગે જાગીને નીચેના રૃમમાં ગયા ત્યારે ખબર પડી કે તેમના મકાનમાં દરવાજાના નકૂચો તોડીને અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કર્યો હતો.
રૃમમાં બે તિજોરીમાં સર સમાન વેર વિખેર પડેલો હતો તપાસ કરતા તિજોેરીમાં મૂકેલા રોકડા રૃપિયા ૭૯ હજાર અને સોનની ચેઇન, વિંટી, ચાંદીની લગડીઓ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા. ૧,૫૨,૫૦૦ની મતાની ચોરી કરી હતી. ઓઢવ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુએ જ ચોરી કરી હોવાની શંકા સેવાઇ રહી છે જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.