Priyanka Gandhi Statement : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતા છોડી દીધી છે, લોકોની સામે નાટક કરે છે અને સત્યના રસ્તા પર નહીં ચાલે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવીને તેમના બેંક એકાઉન્ટ જપ્ત કરીને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને તેમને નબળા કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘તમને ‘સુપરમેન’ની છાપ દેખાડવામાં આવી પરંતુ તમને ‘મોંઘવારીમેન’ મળ્યા. સત્ય એ છે કે સરકારે આ 10 વર્ષોમાં તમારા માટે કંઈ કામ નહીં કર્યું.’
કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં જનસભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘એક સમય હતો જ્યારે કોઈ નેતા ઊભા રહેતા હતા અને દેશમાં લોકો તેનાથી એક નૈતિક વ્યક્તિ હોવાની આશા રાખતા હતા. તેઓ તેમની પાસે નૈતિકતાની આશા રાખતા હતા, પરંતુ આજે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતા છોડી દીધી છે અને તમારી સામે નાટક કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણને આશા હતી કે આપણા નેતા સત્ય પર ચાલશે. જોકે, આજે દેશના સૌથી મોટા પોતાના પોતાના પ્રભાવ, પોતાનું ગૌરવ અને પોતાની પ્રસિદ્ધિ બતાવવા માટે બહાર આવે છે, પરંતુ સત્યના રસ્તે નથી ચાલતા. એક સમય હતો જ્યારે નેતા પરોપકારી અને સેવા-કેન્દ્રીત થતા હતા પરંતુ હવે લોકો દેશના સૌથી મોટા નેતામાં માત્ર અહંકાર જુએ છે.’
‘ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપ્યું’
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘છેલ્લા 2 દિવસોમાં હવે એ શરૂ થયું છે કે કોંગ્રેસના લોકો તમારું મંગળસૂત્ર અને સોનું છીનવવા માંગે છે. 70 વર્ષથી આ દેશ આઝાદ છે, 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર (રાજીવ ગાંધી) આ દેશને કુરબાન થયું છે.
જો મોદીજી મંગળસૂત્રનું મહત્વ સમજતા હોત તો એવી વાત ન કરત. જ્યારે નોટબંધી થઈ તો તેમણે મહિલાઓની બચત છીનવી લીધી. ખેડૂતોના વિરોધ દરમિયાન 600 ખેડૂતોના જીવ ગયા, શું મોદીજીએ આ વિધવાઓના મંગળસૂત્ર વિશે વિચાર્યું? જ્યારે મણિપુરમાં એક મહિલાને નગ્ન કરીને ફેરવવામાં આવી, ત્યારે મોદીજી ચુપ હતા, શું તેમણે તેમના મંગળસૂત્ર અંગે વિચાર્યું? આજે તેઓ મત માટે મહિલાઓ સાથે આવી વાત કરી રહ્યા છે, તેમને ડરાવી રહ્યા છે જેથી તેઓ ડરીને મત આપે.’