અમદાવાદ,બુધવાર, 3 એપ્રિલ,2024

સાબરમતી રિવરફ્રન્ટ ઉપરના આંબેડકર બ્રિજ કોર્નરપાસે આવેલા ઘોબીઘાટ
તથા વિકટોરીયા ગાર્ડન પાસે રવિવારે ભરાતા ગુર્જરી બજારને લઈ ટૂંક સમયમાં મ્યુનિ.તંત્ર
તરફથી નવી પોલીસી બનાવવામાં આવશે.ગુર્જરી બજાર મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ભરાય
છે. ધોબીઘાટની જગ્યામાં ગંદા પાણીનો નિકાલ કરાતો નહીં હોવાની ફરિયાદ સામે આવી છે.ગુર્જરી
બજારની જગ્યા મ્યુનિ.હસ્તકની હોવાછતાં અમુક તત્વો લવાજમના નામે ઉઘરાણું કરતા હોવાની
વિગત મ્યુનિ.તંત્ર સામે આવી હોવાનું જાણવા મળે છે.લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ નવી
પોલીસી અંતર્ગત કામગીરી કરાવવા દરખાસ્ત રજૂ કરવામા આવશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.

એક સમયે શહેરના દૂધેશ્વર તથા વી.એસ.હોસ્પિટલ પાછળના ભાગમાં
નદીના ભાગમાં ધોબીઘાટ જોવા મળતા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાર વર્ષ અગાઉ
અંદાજે રુપિયા ૬.૩૪ કરોડના ખર્ચે સાબરમતી નદીના પૂર્વ કિનારે આંબેડકર બ્રિજના
કોર્નર પાસે વોશિંગ મશીન સાથે ધોબીઘાટ તૈયાર કરવામાં આવ્યો હતો.સાબરમતી રિવરફ્રન્ટ
પ્રોજેકટની કામગીરી સરળતાથી આગળ વધે અને નદીનુ પાણી પ્રદૂષિત થતુ અટકે એ માટે
અંદાજે ૧૬૮ ધોબીઓ માટે આ સ્થળે વ્યવસ્થા કરવામાં આવી હતી.હાલમાં આ સ્થળે ગંદકીનું
સામ્રાજય જોવા મળી રહયુ છે.

વિકટોરીયા ગાર્ડન પાસે રવિવારે ભરાતા ગુર્જરી બજારની
જગ્યામાં પાથરણાંવાળાઓને  બેસવા માટેની
જગ્યાની મર્યાદા નકકી કરવામાં આવી છે.આમ છતાં પાર્કીંગની જગ્યા આસપાસ તેમજ
એલિસબ્રિજ ઉપર સુધી રવિવારે પાથરણાં લઈ લોકો બેસેલા જોવા મળી રહયા છે.આ કારણથી
બ્રિજ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને ટ્રાફિક જામની પરિસ્થિતિમાંથી પસાર થવાની ફરજ
પડી રહી છે.

નવી પોલીસીમાં કયા-કયા મુદ્દા સમાવાશે?

૧.લવાજમના નામે ગરીબ પાથરણાંવાળાઓ પાસેથી કરવામાં આવતુ
ઉઘરાણું બંધ કરાવવામાં આવશે.

૨.ધોબીઘાટ અને ગુર્જરી બજાર માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર
મંગાવાશે.

૩.પસંદ કરવામાં આવનારી એજન્સી મ્યુનિ.તંત્રને મેનપાવર પુરો
પાડશે.

૪.ધોબીઘાટ અને ગુર્જરી બજારના મેઈન્ટેનન્સ માટે ચોકકસ ફી જે
લોકોને મંજૂરી આપવામાં આવશે તેમની પાસેથી એજન્સી વસૂલી શકે એ માટે સત્તા આપવામાં
આવશે.

૫.જે લોકોને મંજૂરી આપવામાં આવશે તેવા લોકોને ફોટા સાથેનુ
ઓળખકાર્ડ અપાશે.જે  તેમની પાસે ફરજિયાત
રાખવુ પડશે.ઓળખકાર્ડ સિવાયના લોકોને ગુર્જરી બજારની જગ્યામાં બેસવા દેવામાં આવશે
નહીં.

૬.મ્યુનિ.તંત્રને થનારી આવકમાંથી ધોબીઘાટ અને ગુર્જરી
બજારીની જગ્યામાં પ્રાથમિક સુવિધા સહિતની સગવડ પુરી પાડવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *