અમદાવાદ,સોમવાર,22 એપ્રિલ,2024
અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં પાણીજન્ય રોગના કેસમા સતત
વધારો થઈ રહયો છે.એપ્રિલ મહિનામા અત્યારસુધીમાં ઝાડા ઉલટીના ૧૦૪૫ તથા કોલેરાના ૧૩
કેસ નોંધાયા છે.પાણીજન્ય રોગને નાથવામાં નિષ્ફળ મ્યુનિ.તંત્ર સામે વિપક્ષના
કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવતા ડાયસ ઉપર બેસી જઈ પાણી આપો સહિતના
સૂત્રોચ્ચાર કર્યો હતો.અમદાવાદ પૂર્વના નવ વોર્ડમાં એપ્રિલ મહિનામાં કોલેરાના કુલ
તેર કેસ નોંધાયા છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની વધતી જતી
ફરિયાદ તેમજ પાણીજન્ય રોગના કેસની વધતી સંખ્યાને લઈ મ્યુનિસિપલ બોર્ડ બેઠકના આરંભે
વિપક્ષ દ્વારા તંત્રની નિષ્ફળતા સામે વ્હીલચેરમાં વિવિધ રોગના દર્દી સારવાર લઈ
રહયા હોય એ મુજબના દ્રશ્ય ઉપસ્થિત કરી સ્માર્ટ સિટી નહીં બિમાર સિટી સહિતના બેનર
સાથે સૂત્રોચ્ચાર કરવામા આવ્યો હતો.વિપક્ષનેતાએ કહયુ, શહેરના કોટ
વિસ્તાર સહિત અનેક વોર્ડમાં લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.મ્યુનિસિપલ
તંત્ર પાસે રોગચાળાને ડામવા માટે કોઈ ચોકકસ આયોજન જ નથી. આચાર સંહિતાના અમલની
વચ્ચે મળેલી મ્યુનિ.બોર્ડ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મેયરે મંજુરી આપવા પાત્ર કામોને
બહાલી આપ્યા બાદ બેઠક મુલત્વી રાખવાની જાહેરાત કર્યા બાદ વિપક્ષના કોર્પોરેટરોએ
ડાયસ ઉપર ધસી જઈ મ્યુનિ.તંત્રની રોગચાળો ડામવાની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કર્યા
હતા.એપ્રિલ મહિનામાં અમરાઈવાડી,
વટવા,દાણીલીમડા, મણીનગર, વસ્ત્રાલ ઉપરાંત
રામોલ-હાથીજણ, ગોમતીપુર, નિકોલ તેમજ
ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા છે.
શહેરમાં રોગચાળાના કેસની સ્થિતિ
રોગ એપ્રિલના
કેસ જાન્યુથી એપ્રિલ
ઝાડા ઉલટી ૧૦૪૫ ૨૬૩૩
કમળો ૧૧૫ ૪૫૯
ટાઈફોઈડ ૨૩૧ ૯૬૪
કોલેરા ૧૩ ૩૫
મેલેરિયા ૨૦ ૫૮
ઝેરી મેલેરિયા ૦૨ ૧૭
ડેન્ગ્યૂ ૨૬ ૧૪૨
ચિકનગુનિયા ૦૧ ૦૩
પાણીના લેવાયેલા સેમ્પલ-અનફીટ સેમ્પલ કેટલા
એપ્રિલના ટેસ્ટ કલોરીન
નીલ અનફીટ સેમ્પલ
૧૧૫૬૨ ૩૫૬ ૯૧
પાણીજન્ય રોગને લઈ ૬૨ એકમને મ્યુનિ.દ્વારા નોટિસ
અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં
વધારો થતા મ્યુનિ.ના આરોગ્ય વિભાગે સોમવારે સાત ઝોનમાં મેગા ડ્રાઈવ કરી
હતી.આઈસક્રીમ,વિવિધ
પ્રકારના જયુસ,ઠંડા
પીણા ઉપરાંત બરફના ગોળા, બરફનુ
ઉત્પાદન કરતા એકમોની સાથે ફરસાણ તેમજ મીઠાઈ ,
પાણીપુરીનુ વેચાણ થતુ હોય એવા કુલ ૧૯૮ એકમની તપાસ કરવામા આવી હતી.આ પૈકી ૬૨
એકમને આરોગ્ય વિભાગ દ્વારા બિન આરોગ્યપ્રદ સ્થિતિને લઈ નોટિસ આપવામા આવી હતી.૨૩૫
કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરી રુપિયા ૪૭ હજારથી વધુ
રકમ વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામા આવી હતી.