અમદાવાદ,રવિવાર
ચૈત્ર મહિનામાં માતાજીની વિધીના નામે કેટલાંક લોકોએ અબોલ પશુઓની
બલી ચઢાવવામાં આવે છે. ત્યારે જમાલપુરમાં મહાજનના વંડામાં કેટલાંક લોકોએ મહાકાળી માતાની
મૂર્તિ સમક્ષ બે બકરાની બલી આપી હતી. આ અંગે
ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.પાલડીમાં આવેલા નમસ્તે ફાઉન્ડેશનના સંચાલક દીપા જોષી અને તેમની
સાથે કામ કરતા સ્ટાફને બાતમી મળી હતી કે જમાલપુરમાં આવેલા વસંતરજબ ચોકી પાસેના મહાજનના વંડામાં કેટલાંક લોકોએ માતાજી
પાસે વિધી કરીને બકરાની કતલ કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસની મદદ લઇને દરોડો
પાડવામાં આવ્યો હતો. જ્યાં મંદિરમાં મહાકાળી માતાજીના મંદિરમાં બે બકરાના માથા મુકીને
વિધી કરવામાં આવી રહી હતી. પોલીસને જોઇને બે વ્યક્તિ નાસી ગયા હતા. જ્યારે રમેશ સરગરા
અને તેની પત્ની લલીબેન સરગરાને ઝડપી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુલબાઇ ટેકરા વિસ્તારમાં પણ બે અબોલ પશુઓની કતલ કરવામાં
આવી હતી. આ ઉપરાંત, વિધીના નામે અનેક
પશુઓની કતલ કરવામાં આવી હતી.