અમદાવાદ,રવિવાર
અમદાવાદના એરકાર્ગોથી પટણા એરકોર્ગો પર મોકલવામાં આવેલું રૂપિયા
૩૩ લાખની કિંમતના સોનાની ચોરી થઇ હોવાની ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
આ ચોરી અમદાવાદ એરકોર્ગો થી પટણા એરકાર્ગો વચ્ચે
થઇ હોવાની શક્યતા છે. જેથી સીસીટીવી ફુટેજને આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ
શરૂ કરી છે. જેમાં એરકોર્ગો કે એરલાઇનના સ્ટાફની સંડોવણીની શક્યતા પણ વ્યક્ત કરવામાં
આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા જગદીશભાઇ દરજી એલિસબ્રીજ પાસે આવેલી એક લોજીસ્ટીક
કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે નોંકરી કરે છે. તેમની લોજીસ્ટીક કંપનીમાં સોના,
ચાંદીના દાગીના તેમજ કિંમતી ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન સ્થાનિક સ્તરે તેમજ અન્ય
રાજ્યમાં કરવામાં આવે છે. જેમાં કિંમતી મુદ્દામાલ એરકોર્ગેોથી મોકલવામાં આવે છે. ચાર
મહિના પહેલા તેમની રાજકોટની બ્રાંચમાંથી એક જ્વેલરી શોપના વેપારીએ રૂપિયા ૩૩ લાખની
કિંમતનું સોનું અમદાવાદ મોકલ્યું હતું. જે
પાર્સલ પટણા ખાતે પહોંચતું કરવાનું હતું. આ પાર્સલને અમદાવાદ એરપોર્ટ એરકાર્ગો પરથી ઇન્ડિગો એરલાઇનથી પટણા મોકલાયું હતું. પરંતુ, તેમની લોજીસ્ટીક કંપનીને
આ પાર્સલ મળ્યું નહોતું. જે અંગે ઇન્ડિગો એરલાઇન અને કાર્ગો પર તપાસ કરવામાં આવી હતી.
પરંતુ, ગુમ થયેલા
પાર્સલ અંગે કોઇ કડી મળી નહોતી. આ ચોરી અમદાવાદ કાર્ગોથી પટણા એરપોર્ટના કાર્ગો વચ્ચે
થઇ હોવાની શક્યતાને આધારે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા એરપોર્ટ પોલીસે તપાસ શરૂ
કરી છે. જેમાં એરકોર્ગો અથવા એરલાઇન કંપનીના સ્ટાફની સંડોવણીની શક્યતા પોલીસે વ્યક્ત
કરી છે.