Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં નાણાકીય હેરફેર પર ચૂંટણી પંચની ચાંપતી નજર છે. કર્ણાટકમાં કારમાં ગેરકાયદે બે કરોડ રૂપિયાની રોકડ રકમ લઈ જવાના આરોપમાં ભાજપના કાર્યાલય સચિવ લોકેશ અંબેકલ્લૂ અને બે અન્ય લોકો વિરૂદ્ધ રવિવારે (21 એપ્રિલ) ફરિયાદ દાખલ થઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે આ અંગે માહિતી આપી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, અધીકારીઓએ જણાવ્યું કે, કેસ શનિવારે ત્યારે સામે આવ્યો જ્યારે ચામરાજપેટની સ્ટેટિક સર્વેલન્સ ટીમે સાંજે અંદાજિત ચાર વાગ્યે બે કરોડ રૂપિયાની રોકડ લઈ જઈ રહેલી કારને રોકી અને આવકવેરા વિભાગના અધિકારીઓને માહિતી આપી.

ચૂંટણી કાર્યાલયે જણાવ્યું કે, બે કરોડ રોકડા લઈ જવાના આરોપમાં ભાજપના પ્રદેશ કાર્યાલયના સચિવ લોકેશ અંબેકલ્લૂ, વેંક્ટેશ પ્રસાદ અને ગંગાધર વિરૂદ્ધ કૉટનપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. તેના માટે રવિવારે કોર્ટથી મંજૂરી પણ મેળવી લેવાઈ છે.

રોકડ કાયદેસર હતી છતાં ફરિયાદ થઈ, ચૂંટણી પંચે આપ્યું કારણ

ચૂંટણી પંચના અધિકારીઓના અનુસાર, આવકવેરા વિભાગે ભાજપના નેતાઓને બોલાવ્યા અને તપાસમાં સામે આવ્યું કે આવકવેરા કાયદા હેઠળ કોઈ ઉલ્લંઘન નથી થયું, કારણ કે રોકડ રકમ કાયદેસર હતી.

જોકે, ચૂંટણી પંચના આદેશ અનુસાર, રાજકીય ગતિવિધિઓ માટે પાર્ટી પદાધિકારીઓ અને ઉમેદવારોના એજન્ટને આપવામાં આવતી 10,000થી વધુની રોકડ રકમ ચેક અથવા ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મોટી સંખ્યામાં રોકડ ન લેવા માટે પણ સલાહ આપી હતી. એટલા માટે ફરિયાદ દાખલ કરાઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, કેસમાં ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન થયું હતું. તેમણે જણાવ્યું કે, નાણાનો ઉપયોગ ચૂંટણીના પ્રલોભન માટે થઈ શકે છે, એ શંકાના આધાર પર જન પ્રતિનિધિ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *