– 2016માં લાંચ લઇને શિક્ષકોની ભરતી કરાયાનો આરોપ હતો : મમતા સરકારને ફટકો

– પશ્ચિમ બંગાળમાં એજન્સીઓના દરોડામાં રૂ. 21 કરોડ મળ્યા હતા, મમતા સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી સહિતના આરોપીઓ હાલ જેલમાં કેદ

– કલકત્તા હાઇકોર્ટના આદેશ બાદ ઇડી અને સીબીઆઇ દ્વારા સમગ્ર મામલાની તપાસ

કોલકાતા : શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને કલકત્તા હાઇકોર્ટમાં મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શિક્ષકોની ભરતીને રદ કરી દીધી છે. હાઇકોર્ટે ૨૦૧૬ની પુરી જોબ પેનલને જ રદ કરી નાખી છે. આ પેનલ દ્વારા રાજ્યભરમાં આશરે ૨૪૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, તેથી હાલ તેમના ભવિષ્યને લઇને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે એવા આરોપ થઇ રહ્યા હતા કે ભરતી પ્રક્રિયા દરમિયાન પાંચથી ૧૫ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી, આ મામલે પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને અનેક તૃણમુલ પદાધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને હાલ તેઓ જેલમાં કેદ છે. આ મામલાએ સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ જગાવ્યો હતો. કલકત્તા હાઇકોર્ટના આદેશ બાદ ઇડી અને સીબીઆઇ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર કૌભાંડ ૨૦૧૪થી શરૂ થયું હતું, પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (એસએસસી)એ પશ્ચિમ બંગાળમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કાઢી હતી, ભરતી પ્રક્રિયા વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે પાર્થ ચેટરજી શિક્ષણ મંત્રી હતા. જે બાદ અનેક અરજીઓ કલકત્તા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં ભરતી પ્રક્રિયા દરમિયાન લાંચ લેવાઇ હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. અરજદારોનો દાવો હતો કે જે લોકોના મેરિટમાં નંબર ઓછા હતા તેમને પણ મેરિટ લિસ્ટમાં ઉપરનું સ્થાન આપી દેવામાં આવ્યું હતું. આ મામલે બાદમાં ઇડી દ્વારા તપાસ કરાઇ હતી, જેમાં પાર્થ ચેટરજીના નજીકના ગણાતા અર્પિતા મુખરજીના ઘર પરથી ૨૧ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. હાઇકોર્ટમાં જે અરજીઓ થઇ હતી તેનો નિકાલ હાલ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર ભરતીને જ રદ કરી દેવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *