જ્યારથી બોલીવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે ત્યારથી મુંબઈ શહેરમાં હલચલ મચી ગઈ છે. ફેન્સ પણ એક્ટરને લઇને ચિંતિત છે. થોડા દિવસો પહેલા અભિનેતાના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જોકે, પોલીસે શૂટરોની ધરપકડ કરી દીધી છે. હવે આ મામલે સલમાન ખાનના સાળા આયુષ શર્માએ પોતાનું મૌન તોડ્યું છે.
ભાઈજાનના ઘરની બહાર ફાયરિંગ થતા ભાઇજાનના સાળા અને એક્ટર આયુષ શર્માએ કહ્યું કે, ‘અમે મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ. આ સપોર્ટ માટે મુંબઈ પોલીસનો ખૂબ ખૂબ આભાર.
અરબાઝે થોડા દિવસ પહેલા સલમાનના ઘરે થયેલા ફાયરિંગ પર એક લાંબી પોસ્ટ લખી છે. અરબાઝે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગની ઘટના ખૂબ જ પરેશાન કરનારી અને ડરાવનારી છે. આ ચોંકાવનારી ઘટનાથી અમારો પરિવાર આઘાતમાં છે. કમનસીબે, કેટલાક લોકો જેઓ અમારા પરિવારની નજીક હોવાનો દાવો કરે છે અને પ્રવક્તા હોવાનો ઢોંગ કરે છે તેઓ મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે કે આ બધો પબ્લિસિટી સ્ટંટ છે, પરંતુ સમગ્ર પરિવાર આનાથી પ્રભાવિત નથી, જે સાચું નથી. હાલ પરિવાર આ દુ:ખદ ઘટનાની તપાસમાં પોલીસને મદદ કરી રહ્યો છે. અમને મુંબઈ પોલીસ પર ભરોસો છે. તમારા પ્રેમ અને સમર્થન બદલ આપ સૌનો આભાર.