ભીલ સમાજમાં આમલી અગિયારસનું વિશેષ મહત્વ
ગામના લોકો સમૂહમાં મૂંડન કરાવી, બુંદીનુ વિતરણ કરે છે
અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે તેવી ભીલ સમાજના લોકોની માન્યતા છે
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે. આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થી (ફૂલો)ને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં સ્ત્ર્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાટી દેવામાં આવે છે. હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિ ઓ બહાર કાઢે છે.
તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદર વડે આ અસ્થીઓને ધોઈ તેની પૂંજા કરે છે. પૂંજા વિધિ કર્યા બાદ ફરી થી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને આખી રાત જાગી રખવાળી કરે છે ત્યારબાદ હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે.
જો કે અહીંના ભીલ સમાજના લોકોની એવી પણ માન્યતા છે કે, આ જગ્યાએ પાંડવો આવ્યા હતા. આ જગ્યાએ પાંચ કુંડ આવેલા છે. જેથી આ જગ્યા એ દેવોનો પણ વાસ છે. જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે.