– ભારત સમર્થક વિપક્ષની કારમી હાર
– સંસદમાં બહુમત કરતા વધુ બેઠકો મેળવી, મુઇઝ્ઝુએ ભારત વિરોધી બિલો પસાર કરવાનો તખ્તો તૈયાર કર્યો
માલે: માલદિવ્સની સંસદ મઝલિસ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારત વિરોધી અને ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળી ગઇ છે. જ્યારે ભારત સમર્થક વિપક્ષ એમડીએફની હાર થઇ છે. મુઇઝ્ઝુના સત્તાધારી પક્ષે ૯૩માંથી ૯૦ બેઠકો પર ચૂંટણી લડી હતી. અને બહુમતનો આંકડો પણ પાર કરીને ૬૦થી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરી લીધી છે.
જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી અને ભારત સમર્થક માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) માત્ર ૧૨ જેટલી બેઠકો પર જ આગળ ચાલી રહી છે. આઠ બેઠકો પર અપક્ષ આગળ છે. ગયા વર્ષે મુઇઝ્ઝુ મોહમ્મદ સોલિહને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. સંસદમાં અત્યાર સુધી સોલિહના પક્ષને બહુમત હતી. જેને કારણે મુઇઝ્ઝુ માટે નવા બિલોને પસાર કરવા મુશ્કેલભર્યું સાબિત થઇ રહ્યું હતું. એવામાં ભારત વિરોધી મોટા નિર્ણયો લેવા કે બિલો પસાર કરવા માટે સંસદમાં બહુમત મેળવવી મુઇઝ્ઝુ માટે જરૂરી હતું.
માલદિવ્સની સંસદમાં કુલ ૯૩ બેઠકો છે, છ રાજકીય પક્ષો આ ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં ૩૬૮ ઉમેદવારો મેદાનમાં હતા. વસતી વધતા ગત સંસદની ચૂંટણી સમયે હતી તેના કરતા આ વખતે છ બેઠકો વધારવામાં આવી છે. લગભગ ૨૮૪,૦૦૦ લોકોએ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. માલદિવ્સમાં રાષ્ટ્રપતિ અને સંસદ એમ બન્નેની ચૂંટણી અલગ અલગ થાય છે. લોકો સીધા રાષ્ટ્રપતિને મત આપે છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, હાલ સંસદની ચૂંટણી યોજાઇ હતી. સંસદને મઝલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિની જેમ જ સંસદના સભ્યો પણ પાંચ વર્ષ માટે ચૂંટાઇને આવે છે.