અમેરિકન પ્રમુખ જો બાઈડને કરેલી અપીલ બાદ અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં યુક્રેન તથા ઈઝરાયલને મદદ કરવા માટે અને ગાઝામાં માનવીય સહાયતા પહોંચાડવા માટેના 95 અબજ ડોલરના પેકેજને સાંસદોએ મંજૂરી આપી દીધી છે.
સંસદે યુક્રેન માટે 61 અબજ ડોલરની મદદનું પેકેજ મંજૂર કર્યુ છે. જેના કારણે યુક્રેન અને રશિયા વચ્ચેનુ યુદ્ધ વધારે વિનાશકારી બનશે તેવું મનાઈ રહ્યું છે. સાથે સાથે ઈઝરાયલને સહાય કરવા માટે તથા ગાઝામાં યુદ્ધગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવા માટેના 26 અબજ ડોલરના પેકેજને પણ સંસદે લીલી ઝંડી આપી છે. આ બંને પેકેજમાં ઈઝરાયલ અને યુક્રેન માટે મુખ્યત્વે લશ્કરી સહાયતાનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ‘પેકેજ માટે સંસદના નીચલા ગૃહમાં વોટિંગ થયું હતું. મંજૂરી બાદ તેને સેનેટમાં મોકલવામાં આવ્યુ છે. આ પેકેજને સંસદે ગ્રાહ્ય રાખ્યા બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂએ તથા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકન સાંસદોનો આભાર માન્યો હતો.’
અમેરિકાની સંસદના નીચલા ગૃહના અધ્યક્ષ માઈક જોનસને પેકેજને મંજૂર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ બાઈડને અપીલ કરી હતી કે, ‘આપણે આપણા મિત્રોની પડખે ઊભા છે તેવો સંદેશો દુનિયાને આપવા માટે સંસદે આ પેકેજને મંજૂર કરવું જોઈએ. જેવુ સંસદ તેને મંજૂર કરશે કે તરત જ હું તેના પર સહી કરીશ.’