– ટેક્સની આવકમાં બમ્પર ઉછાળાથી સરકારી તિજોરી છલકાઇ

– ઇનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનું નેટ કલેક્શન બજેટ અંદાજથી રૂ. ૧.૩૫ લાખ કરોડ અને સંશોધિત અંદાજથી રૂ. ૧૩૦૦૦ કરોડ વધુ 

નવી દિલ્હી: ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ સમાપ્ત થતાં નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેકશન ૧૭.૭ ટકા વધીને ૧૯.૫૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે રિવાઇઝ કરવામાં આવેલા અંદાજ કરતા પણ ઘણું વધારે છે તેમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનું નેટ કલેકશન ૨૦૨૩-૨૪ દરમિયાન બજેટ અંદાજથી ૧.૩૫ લાખ કરોડ રૂપિયા (૭.૪૦ ટકા) અને સંશોધિત અંદાજથી ૧૩૦૦૦ કરોડ રૂપિયા વધારે રહ્યું હતું. આ બંનેનો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સૌથી મોટો હિસ્સો હોય છે.

ઉલ્લેખનીય છે કે સરકારે એક ફેબુ્રઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ (એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪) સુધીના ટેક્સ કલેકશનનો લક્ષ્યાંક વધારીને ૧૯.૪૫ લાખ કરોડ રૂપિયા કર્યો હતો.

જેના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ ટેક્સ કલેકશનનો રિવાઇઝ અંદાજ વધીને ૩૪.૩૭ લાખ કરોડ રૂપિયા થયો હતો. 

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેકશન (પ્રોવિઝનલ) ૧૮.૪૮ ટકા વધીને ૨૩.૩૭ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. રિફંડ પછી ચોખ્ખી આવક ૧૭.૭ ટકા વધીને ૧૯.૫૮ લાખ કરોડ રૂપિયા રહી છે.

નેટ ડાયરેક્ટ કલેકશનના આંકડા અર્થતંત્રમાં ઉછાળો તથા વ્યકિતઓ અને કોર્પોરેટની આવકમાં વૃદ્ધિ દર્શાવે છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૩.૭૯ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે. 

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ડાયરેક્ટ ટેક્સ કલેકશનના પ્રોવિઝનલ આંકડા દર્શાવે છે કે નેટ કલેકશન ૧૯.૫૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં આ રકમ ૧૬.૬૪ લાખ કરોડ રૂપિયા હતી. 

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક ૧૮.૨૩ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ આ અંદાજ રિવાઇઝ કરીને ૧૯.૪૫ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. 

પ્રોવિઝનલ ડાયરેક્ટ ટેક્સ કલેકશન (રિફંડ સિવાય) બજેટ અંદાજથી ૭.૪૦ ટકા અને સંશોધિત અંદાજથી ૦.૬૭ ટકા વધારે છે. 

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ડાયરેક્ટ ટેક્સનું રિફંડ પહેલાનું ગ્રોસ કલેકશન (પ્રોવિઝનલ) ૨૩.૩૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે ગયા વર્ષની સરખામણીમાં ૧૮.૪૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે આ રકમ ૧૯.૭૨ લાખ કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન (પ્રોવિઝનલ) ગયા વર્ષની સરખામણીમાં ૧૩.૦૬ ટકા વધીને ૧૧.૩૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.  ગયા વર્ષે આ રકમ ૧૦ લાખ કરોડ રૂપિયા હતી. 

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન (પ્રોવિઝનલ) ગયા વર્ષની સરખામણીમાં ૧૦.૨૬ ટકા વધીને ૯.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.ગયા વર્ષે આ રકમ ૮.૨૬ લાખ કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (પ્રોવિઝનલ) સહિત ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં ૨૪.૨૬ ટકા વધીને ૧૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષે આ રકમ ૯.૬૭ લાખ કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એસટીટી (પ્રોવિઝનલ) સહિત નેટ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં ૨૫.૨૩ ટકા વધીને ૧૦.૪૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષે આ રકમ ૮.૩૩ લાખ કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૩.૭૯ લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ ચૂકવવામાં આવ્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૨૨.૭૪ ટકા વધારે છે. ગયા વર્ષે ૩.૦૯ લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ ચૂકવવામાં આવ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *