PBKS vs GT: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ડબલ હેડરની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. લગાતાર પરાજયના કારણે પોઈન્ટ ટેબલમાં નીચે તરફ ધકેલાઈ ગયેલા ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે રોમાંચક મેચ જોવા મળી શકે છે. આઈપીએલ તેની મધ્યમાં પહોંચી ગઈ છે ત્યારે હવે બંને ટીમોને એક પણ પરાજય પોષાય તેમ નથી.
બંને ટીમોની આ 8મી મેચ હશે
આજે બંને ટીમોની આ 8મી મેચ હશે. પંજાબ 7 મેચમાંથી 2 જીત બાદ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. બીજી તરફ, ગુજરાત 7 મેચમાંથી 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.
બંને ટીમો હેડ ટુ હેડ રેકોર્ડ
આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ બે-બે મેચ જીતી છે. આ મેદાન પર બંને ટીમો પ્રથમ વખત સામ-સામે રમશે. લીગની વર્તમાન સિઝનમાં બંને ટીમો બીજી વખત ટકરાશે. છેલ્લી મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં પંજાબનો ત્રણ વિકેટે વિજય થયો હતો.
ગીલ દબાણ હેઠળ
ગુજરાત ટાઇટન્સ નજીકના ભૂતકાળમાં ચેમ્પિયન રહી ચૂકી છે પણ આ વખતે કલ્પના ન થઈ શકે તે હદે કંગાળ પ્રદર્શન કરે છે જેના લીધે તેમનો નવો કેપ્ટન ગીલ ભારે દબાણ અનુભવતો હશે. તેમાં પણ અમદાવાદના તેના હોમગ્રાઉન્ડ પર રમાયેલ છેલ્લી મેચમાં ગુજરાત દિલ્હી સામે હારતા 89 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું તમામ 10 ટીમોનો આ સિઝનનો આ સૌથી નિમ્ન સ્કોર છે. છેલ્લી ચાર મેચમાંથી ગુજરાત ત્રણ મેચમાં હાર્યું છે અને તેઓનો પોઈન્ટ ટેબલમાં આઠમો ક્રમાંક છે.
પંજાબ નવમા ક્રમે
પંજાબનો તો ગુજરાત કરતા પણ કથળેલો દેખાવ છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં નવમાં ક્રમે છે. મુંબઈ સામે છેલ્લી મેચમાં ટીમની નવ રનથી હારી થઈ હતી. પંજાબની ટીમનું આકર્ષણ શશાંકસિંહ અને આશુતોષ શર્માની બેટિંગ છે. જો ટોપ ઓર્ડરમાંથી સાથ મળ્યો હોત તો આ બંને બેટિંગમાં પંજાબને ટોચની ચાર-પાંચ ટીમમાં મૂકી શક્યા હોત. મુંબઈની ટીમ સામે 14 ૨ને 4 વિકેટના સ્કોરથી શશાંકસિંઘ અને આશુતોષ શર્મા સ્કોરને 183 રન સુધી લઈ ગયા હતા. એક તબક્કે તો મુંબઈ હારી જાય તેમ મનાતું હતું. પંજાબ સાત મેચમાંથી પાંચ મેચમાં હાર્યું છે અને બેમાં જ જીત્યું છે.
ધવનની ખોટ સાલે છે
કેપ્ટન ધવનને ખભાની ઈજા સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની 6 એપ્રિલે રમાયેલ મેચમાં થઈ હતી ત્યાર પછી તે પુનઃ ફીટ થવાની સારવાર લઈ રહ્યો છે. ધવનની ઓપનિંગ બેટિંગ, કેપ્ટન્સી અને અનુભવની ખોટ પંજાબને વર્તાય છે. આજની મેચમાં પણ તે રમી શકે તેમ લાગતું નથી. ધવને પાંચ મેચમાં 125.61ના સ્ટ્રાઈક રેટ સાથે આ સિઝનમાં 152 રન નોંધાવ્યા છે. ધવનની ગેરહાજરીમાં સામ કરન કેપ્ટન્સી કરે છે. ગઈ સિઝનમાં પંજાબ છ જીત અને આઠ હાર સાથે આઠમા ક્રમે હતું. આ ઉપરાંત પંજાબને સૌથી મોટી ચિંતા તેમના બેટરોની પ્રભસીમરન, લિવિંગસ્ટોન અને રોસોઉની નિષ્ફળતાને લીધે છે.
મેચ વિનરો નિષ્ફળ
ગુજરાત ટાઈટન્સ આ સિઝનમાં ચાર જીત અને ત્રણ હારનો રેકોર્ડ ધરાવે છે તેઓ પાસે ગીલ, સાઈ સુદર્શન, સહા, ડેવિડ મિલર, રાશિદખાન જેવા ક્વોલિટી મેચવિનર હોવા છતાં ટીમવર્ક બહાર નથી આવતું. રાહુલ તેવટિયા પાસે આશુતોષ અને શશાંક સિંઘ જેવી જ પ્રતિભા છે પણ તેને તેવી ખાસ તક મળી નથી.
બંને ટીમોમાંથી સંભવિત ઈલેવન
પંજાબ કિંગ્સ:
સેમ કરન (C), પ્રભસિમરન સિંહ, રાઈલી રુસો, જીતેશ શર્મા (WK), લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા અને અર્શદીપ સિંહ.
ઈમ્પેક્ટ પ્લેયરઃ રાહુલ ચહર.
ગુજરાત ટાઇટન્સઃ
શુભમન ગિલ (C), રિદ્ધિમાન સાહા (WK), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, સ્પેન્સર જોન્સન અને સંદીપ વોરિયર.
ઈમ્પેક્ટ પ્લેયર: સાઈ કિશોર.