– બે ડમી ઉમેદવારના 6 ફોર્મ રદ્દ
– ૭૯ ફોર્મ ઉપાડયા બાદ 29 ઉમેદવારી પત્રો રજૂ કરાયા હતા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી માટે ગત તા.૧૨ એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારથી તા.૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ઉપાડી, ભરી, જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ ૭૯ ફોર્મ ઉપડયા હતા અને તેની સામે ૨૯ ફોર્મ ભરી જમા થયા હતા. જ્યારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરતા ૬ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેથી હવે ૨૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યાં છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુલ ૭૯ ફોર્મ ઉપડયા હતા. જેમાંથી રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા ૨૯ ફોર્મ જમા કરાવ્યા હતા. ત્યારે તા.૨૦ એપ્રિલને શનિવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ૨૯ ફોર્મ પૈકી ભાજપ અને કોંગ્રેસ ડમી ઉમેદવારના ૬ ફોર્મ રદ્દ થયા હતા અને ૨૦ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ ૨૦ ઉમેદવારી ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી, જનસેવા ડ્રાયવર પાર્ટી, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, રાષ્ટ્ર નિર્માણ પાર્ટી અને અપક્ષનો સમાવેશ થાય છે.
જ્યારે ૨૦ ઉમેદવારો પૈકી ૧૨ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવાતા રાજકારણ ગરમાયું છે. આગામી તા.૨૨ એપ્રિલને સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોવાથી ત્યારબાદ ઉમેદવારનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થશે અને કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેનો સચોટ ખ્યાલ આવશે.
ફોર્મ ચકાસણી બાદ માન્ય ઉમેદવારો
ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ સુરેન્દ્રનગર બેઠક માટે ઋત્વિકભાઈ મકવાણા (કોંગ્રેસ), ચંદુલાલ શિહોરા (ભાજપ), અશોકભાઈ ડાભી (બહુજન સમાજ પાર્ટી), અશોકભાઈ પટેલ (જનસેવા ડ્રાયવર પાર્ટી), મધુસુદન પટેલ (મીશન ઓલ ઈન્ડિયા ઈન્ડીપેન્ડેન્ટ જસ્ટીસ પાર્ટી), દિલીપભાઈ મકવાણા (ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી), નિલેશભાઈ ચાવડા (રાષ્ટ્ર નિર્માણ પાર્ટી), દેવેન્દ્ર મોહનદાસ મહંત (ગુંજ સત્યની જનતા પાર્ટી) તથા અપક્ષ ઉમેદવારો જગદીશભાઈ પટેલ, રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ જાદવ, દેવરાજભાઈ ઝાલા, વિનોદભાઈ સતરોટીયા, નટુભાઈ પરમાર, આનંદભાઈ રાઠોડ, દલપતભાઈ મકવાણા, કૃષ્ણવદનભાઈ ગેડીયા, સલીમભાઈ કટીયા, અશોક રાઠોડ અને અનિરૂધ્ધભાઈ ડણીયાના ફોર્મ માન્ય થયા છે.