– જલજીરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી
– દારૂ રાજસ્થાનથી રાજકોટ લઈ જવાતો હતો : એલસીબીએ બે સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : લખતર-વઢવાણ રોડ પર જલજીરાના કોથળાની આડમાં રૂ.૮.૫૭ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. રાજસ્થાનથી દારૂનો જથ્થો રાજકોટ પહોંચાડવાનો હોવાની કબુલાત કરતા એલસીબીએ કુલ રૂ.૧૮.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વઢવાણ પોલીસ મથકે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લખતર-વઢવાણ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી આઇશર ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દેદાદરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળુ આઇશર પસાર થતાં તેને અટકાવીને તલાશી લેતા જલજીરાના કોથળા તેમજ બોક્ષ નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧,૮૬૦ બોટલો મળી આવી હતી.
એલસીબીએ રૂા.૮,૫૭,૮૯૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, ટ્રક, એક મોબાઇલ અને જલજીરાના પેકેટ સહિત કુલ રૂા.૧૮,૦૬,૦૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ આઈસરના ચાલક મુકેશભાઇ બાબુલાલ પરીહારની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો જોધપુર ચાર રસ્તા પાસેથી બાબુલાલ કેવરરામે ભરી આપ્યો હોવાનું તથા વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી રાજકોટ લઇ જવાનો હોવાની કબુલાત કરી હતી.
આથી પોલીસે ટ્રકના ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સહીત બન્ને શખ્સો વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.