Lok Sabha Elections 2024: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ શનિવારે ફોર્મ ચકાસણી દરમ્યાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી. એવી એફીડેવીટ અને નિવેદન આપતા જિલ્લા સેવાસદનમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્યારે આજે ફોર્મ માન્ય રાખવું કે નહીં તેનો નિર્ણય થોડીવારમાં જ લેવામાં આવશે. હાલ સુરત ક્લેકટર કચેરીમાં સુનાવણી શરુ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ક્લેકટર કચેરીમાં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
શનિવારે દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો
સુરત લોકસભા બેઠક માટે ભરાયેલા ફોર્મ માટે શનિવારે સવારે 11 કલાકે શરૂ થયેલી સ્ક્રુટીની દરમિયાન ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો કે, મારી માહિતી પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત કરનારા જેન્યુઇન નથી. તે અંગે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડીયાને જાણ કરાઇ હતી. અને બપોરે 1 વાગ્યે સુનાવણી રખાઇ હતી. 18 એપ્રિલે ફોર્મ ભરનાર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કરનારા રમેશભાઇ બાવચંદભાઇ પોલરા, જગદીશ નાનજીભાઇ સાવલીયા, ધુ્રવિન ધીરુભાઇ ધામેલિયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રૃબરૃ હાજર થઇને જણાવ્યું હતું કે, ઉમેદવારના ફોર્મમાં તેમણે સહી કરી નથી કે ફોર્મ ભરતી વખતે રૂબરૂ આવ્યા નથી. આ અંગે તેમણે સોગંદનામું પણ કર્યુ હતું.
પોલીસે પત્રકારોને પણ ધક્કે ચડાવ્યા
આજે સુરત ક્લેક્ટર કચેરી ખાતે પોલીસે ચૂસ્ત બદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ સુરત ક્લેકટ કચેરી ખાતે નિલેશ કુંભાણીના મામલે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તણુક કરીને કવરેજ કરવાથી દૂર રાખવા અને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી છે.