Rupala Controversy: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી ભાજપ પક્ષ માટે પણ ચિંતાનો વિષય બની છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ-2 શરૂ થઈ ચૂક્યો છે. નવી રણનીતિ અનુસાર, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. અહીં ભાજપના નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તો ભાજપના ધારાસભ્ય રમણ વોરાને પણ ધક્કે ચડાવાયા હતા. 

ભાજપના ધારાસભ્ય રમણ વોરા સાથે પણ થઈ ધક્કામુક્કી

સાબરકાંઠાના વડાલીમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દરમિયાન તેમણે ‘રૂપાલા હાય હાય’ના નારા પણ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષ નેતા પણ પ્રદર્શનમાં આગેવાની કરતા નજર પડ્યા હતા. આ સમયે ક્ષત્રિયોનો આ વિરોધ ઝપાઝપીમાં પરિવર્તિત થયો હતો. ત્યારે ધારાસભ્ય રમણ વોરા વિરોધકર્તા કોંગ્રેસ નેતા સામે આક્રમક થયા હતા. આ દરમિયાન તેમની સાથે પણ ધક્કામુક્કી થવા પામી હતી. રમણલાલ વોરા અને ક્ષત્રિયો સાથે ઘર્ષણ થયાના દ્રશ્યો પણ જોવા મળે છે. જોકે, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક વ્યક્તિને નજરકેદ કરવાના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો

જોકે ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવા આવે તે પહેલા જ વડાલી પોલીસ દ્વારા એક વ્યક્તિને નજરકેદ કરી લેવાયો હતો, જેને લઈને વિરોધને આગળ વધતો અટકાવી શકાય. આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો નજરકેદ કેમ કર્યાના સવાલ સાથે રૂપાલાનો વિરોધ કરતા કાર્યાલય તરફ દોડી ગયા હતા. સાથે જ ‘રૂપાલા હાય હાય’ નો સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે પોલીસે અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી.

કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ

વડાલી પોલીસે બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો હતો, તેમ છતાં વિરોધીઓ દ્વારા બેરિકેડ હટાવી આક્રમક રીતે વિરોધ કરી સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. બીજી તરફ, વડાલીના કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત પણ અહીં હાજર હતા. જેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં પણ પોલીસ સાથે તેમને બોલચાલી અને ઝપાઝપી થઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, હાલ આ સમગ્ર મામલો થાળે પડી ગયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *