વડોદરાઃ અકોટા બ્રિજ પર ચાર યુવક-યુવતીઓને અડફેટમાં લઇ આકાશ નામના યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક કલ્પ પંડયા અને તેની સાથે કારમાં બેઠેલી મંગેતર સૃષ્ટિની દારૂની બોટલના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
અકોટા બ્રિજ પર રાતે સ્કૂટર પાર્ક કરી અલગ અલગ રીતે બેઠેલા ચાર યુવક-યુવતીઓને ફુલ સ્પીડે પસાર થતી બલેનો કારના ચાલક કલ્પ પંડયાએ અડફેટમાં લેતાં આકાશ નામના યુવકનું મોત નીપજ્યંુ હતું.જ્યારે અન્ય બે વિદ્યાર્થિનીને ઇજાઓ પહોંચી હતી.આકાશની કાર એટલી સ્પીડમાં હતી કે બે સ્કૂટરને ફંગોળ્યા બાદ પાળી સાથે અથડાઇને ત્રણ વાર પલટી મારી હતી.
કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.જેથી અકોટા પોલીસના પીઆઇ વાય જી મકવાણાએ બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરી મોત નીપજાવવા બદલ તેમજ દારૂની બોટલ રાખવા બદલ બે અલગઅલગ ગુના નોંધ્યા હતા.કહેવાય છે કે,અકોટા બ્રિજ પર પસાર થતી વખતે કલ્પ અને કેનેડાથી આવેલી તેની મંગેતર સૃષ્ટિ વચ્ચે કેનેડા પરત નહિં જવાના મુદ્દે બોલાચાલી થતાં કલ્પ આવેશમાં આવી ગયો હતો.જેથી પોલીસ આ મુદ્દે પણ પૂછપરછ કરનાર છે.
પોલીસેદારૃના કેસમાં મિકેનિકલ એન્જિનિયર કલ્પ કનકભાઇ પંડયા(સાંઇ હાઇટ્સ,એસઆરપી ગુ્રપ-૯,મકરપુરા) અને સૃષ્ટિ સંકેતભાઇ દેસાઇ (બાલાજી દર્શન ફ્લેટ્સ,વીઆઇપી રોડ, કારેલીબાગ)ેની ધરપકડ કરી કલ્પને એક દિવસના રિમાન્ડ પર લીધો છે. આ પૈકી કલ્પના પિતા ઓમાનમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાની અને સૃષ્ટિના પિતા દાહોદમાં આઇસ્ક્રિમ પાર્લર ચલાવતા હોવાની માહિતી મળીછે.
સૃષ્ટિને કેનેડા જવામાં મુશ્કેલી પડી શકે, પાસપોર્ટ જમા લેવા રજૂઆત
અકોટા બ્રિજ પર ગુરૃવારે રાતે ચાર યુવક-યુવતીઓને અડફેટમાં લેવાના બનાવમાં પોલીસે કાર ચાલક કલ્પ પંડયાની સાથે કારમાં બેઠેલી સૃષ્ટિ દેસાઇની સામે પણ દારૂની બોટલ રાખવા બદલ કેસ કર્યો છે.આ કેસમાં પોલીસ દ્વારા સૃષ્ટિનો પાસપોર્ટ કબજે કરવા માટે રજૂઆત કરવામાં આવનાર છે. જો તેનો પાસપોર્ટ કબજે લેવામાં આવે તો સૃષ્ટિને કેનેડા જવામાં મુશ્કેલી પડી શકે છે.
સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી
અકોટા બ્રિજ પર બનેલા અકસ્માતના બનાવમાં ખાનગી કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતા આકાશ ચોમલ(રૃદ્રાક્ષ સોસાયટી, વાઘોડિયારોડ,વડોદરા)નું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે વિદ્યાર્થિનીને ઇજા પહોંચી હતી.કાર ત્રણ વાર પલટી મારી જતાં ચાલક કલ્પ પંડયાને પણ ઇજા થઇ હતી.જેથી તેની સારવાર બાદ આજે ધરપકડ કરવામાં આવી છે.આ બનાવમાં આરોપીને સજા થાય તે માટે પોલીસ સાયન્ટિફિક પુરાવા પણ એકત્રિત કરી રહી છે.ફોરેન્સિક નિષ્ણાંતોએ કારની તપાસ કર્યા બાદ હવે આરટીઓ પાસે પણ વાહનની ફિટનેસ સહિતની તપાસ કરાવવામાં આવનાર છે.
કલ્પ પંડયા અમદાવાદમાં પણ કારમાં રિવોલ્વર સાથે પકડાયો હતો
અકોટા બ્રિજ પર બેફામ રીતે કાર હંકારી ચાર યુવક-યુવતીઓને ફંગોળી એક યુવકનું મોત નીપજાવનાર કલ્પ પંડયા સવા વર્ષ પહેલાં પણ રિવોલ્વર સાથે પકડાયો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,અમદાવાદના નિકોલ વિધાનસભા વિસ્તારમાં તા.૫-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ચૂંટણીની કામગીરી કરતા સ્કવોડે વાહન ચેકિંગ દરમિયાન વડોદરાની વાદળી રંગની બલેનો કારને ચેક કરી હતી.
કારમાં આધેડ વયની મહિલા અને ત્રણ વિદ્યાર્થી બેઠા હતા.કલ્પ પંડયા ડ્રાઇવિંગ સિટ પર હતો અને તેની નીચેથી રિવોલ્વર મળી આવી હતી.જેથી કલ્પ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર અને રિવોલ્વર કબજે લેવામાં આવ્યા હતા.