Lok Sabha Elections 2024 | રાજકોટમાં ઉમેદવારોના ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રજૂ કરાયા તેમાં વિસંગતતા બહાર આવી છે. કોંગ્રેસના પરેશ ધાનાણી અને અપક્ષોએ પણ રૂ. 300ની કિંમતના સ્ટેમ્પપેપર ઉપર નિયમોનુસાર સોગંદનામા રજૂ કર્યા હતા ત્યારે ભાજપના પરસોત્તમ રૂપાલાએ રૂ 50ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ કર્યું છે.
આ અંગે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ જણાવ્યું કે અમને સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા કરવાના છે અને રૂપાલાએ રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર રજૂ કર્યું છે, એટલુ જ નહીં, ઈન્કમટેક્સ રિટર્નમાં પણ તેણે જરૂરી વિગતો ભરી નથી અને 10 જગ્યાએ ક્ષતિઓ કરી છે. ઉપરાંત ડિપોઝીટ કઈ તારીખથી મુકાયેલી છે તે વિગત આપી નથી. આવી નાની મોટી 32 ભૂલો અંગે અમે કલેક્ટર પાસે સ્પષ્ટતા માંગી હતી પરતુ, તે આપવામાં આવી નથી.
આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રનો સંપર્ક સાધતા જણાવાયું કે આગઉ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ કરવાનો નિયમ હતો પરંતુ, પછી તેમાં ફેરફાર કરીને રૂ. 50નું સ્ટેમ્પ પેપર ચાલે છે. આવી ફરિયાદ કરનાર પાસે જુનો નિયમ હશે.
પરંતુ, વહીવટીતંત્રની ગંભીર ક્ષતિ એ બહાર આવી છે કે જો નિયમમાં ફેરફાર હોય તો તેની જાહેરાત કે તમામ ઉમેદવારોને પૂર્વ જાણ કેમ કરાઈ નથી. કારણ કે અનેક ઉમેદવારોએ રૂ.૩૦૦ના સ્ટેમ્પપેપર ઉપર જ સોગંદનામા કર્યા છે. આમ, ભાજપના રૂપાલાનું ફોર્મ માન્ય કરવામાં પણ તંત્ર સામે સવાલો ઉઠયા છે.