Lok Sabha Elections 2024 | દમણ-દિવ લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને ડમી સહિત ૧૩ ઉમેદવારી પત્રક ભરાયા છે. જો કે આ બેઠક પરથી એક સરખા નામ ધરાવતા ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. ત્રણ પૈકી બે ઉમેદવારનું નામ, પિતાનું નામ અને અટક પણ એક સરખી જ છે. ત્રણેય ઉમેદવાર ફોર્મ પરત નહી ખેંચે તો મતદાન વેળા ભારે મુંઝવણ ઉભી થશે.
દમણ-દીવ અને દા.ન.હવેલીમાં ૭મી મેના રોજ લાસભાની યોજાનારી ચૂંટણીને લઇ શુક્રવારે પત્રકો ભરવાની અંતિમ અવધી પૂર્ણ થઈ હતી. જેમા દા.ન.હવેલીમાં ભાજપ, કોંગ્રેસ, ભારતીય આદિવાસી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અપક્ષ અને ડમી સહિત કુલ ૧૩ ફોર્મ ભરાયા હતા. જ્યારે દમણમાં સતત ચોથી વાર ભાજપ, કોંગ્રેસ, અપક્ષ મળી ૧૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
જેમાં દમણ-દીવ બેઠક ભારે અજીબો-ગરીબ સ્થિતિ સાથે મુંઝવણ ઉભી થવાની શકયતા છે. ભરાયેલા ફોર્મમાં એક સરખા ઉમેશ નામ ધરાવતા એક-બે નહીં પણ ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં દમણના દલવાડામાં રહેતા યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ બાબુભાઈ પટેલ, મરવડના ઉમેશ ઉત્તમભાઈ પટેલ અને વાપીના બોરડી ફળિયાના ઉમેશ બાબુભાઈ પટેલનો સમાવેશ થાય છે.
ત્રણ પૈકી બે ઉમેદવારના તો નામ, પિતાનું નામ અને અટક પણ એક સરખી જ છે. ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખે ત્રણમાંથી બે ઉમેદવારી પરત નહી ખેંચાય તો મતદાન વેળા મતદારોમાં ભારે મુંઝવણ ઉભી થશે. દમણ-દિવ લોકસભા બેઠક પર વર્ષ ૧૯૮૭થી અત્યાર સુધીની ચૂંટણીમાં એક સરખા નામ ધરાવતા ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યાની આ પ્રથમ ઘટના છે.