– સ્પેસ મિલિટ્રી પછી હવે ડ્રેગનના નવા પગલાંથી દુનિયા ભયભીત
– આઈએસએફ પીએલએનો મુખ્ય સ્તંભ, સીપીસી-સીએમસીએ સૈન્યને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં મોટો નિર્ણય : જિનપિંગ
– આઈએસએફ પીએલએનો મુખ્ય સ્તંભ, સીપીસી-સીએમસીએ સૈન્યને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં મોટો નિર્ણય
– ઈન્ફર્મેશન સપોર્ટ ફોર્સ પીએલએના એસએસએફની સુધારેલી આવૃત્તિ : વિશ્લેષકોનો દાવો
બેઈજિંગ : દુનિયામાં હાલ અનેક મોરચે યુદ્ધ લડાઈ રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે એવામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. આ યુદ્ધ પૂરું નથી થયું ત્યાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આવા તણાવપૂર્ણ વાતાવરણમાં જમીન યુદ્ધ, હવાઈ યુદ્ધ અને સમુદ્રી યુદ્ધમાં અટવાયેલી દુનિયામાં ચીને નવા યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. ડ્રેગને સ્પેસ મિલિટ્રી મારફત અવકાશમાં સૈન્ય તૈનાત કર્યા પછી સાયબર યુદ્ધ યુનિટની રચના કરીને અમેરિકા સહિત દુનિયાના દેશો માટે ચિંતા વધારી દીધી છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે શુક્રવારે સાયબર યુદ્ધ માટે તેના સૈન્યની નવી શાખા ‘ઈન્ફર્મેશન સપોર્ટ ફોર્સ’ની રચના કરી છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગે શુક્રવારે તેના સૈન્ય પીએલએની નવી શાખા ઈન્ફર્મેશન સપોર્ટ ફોર્સ (આઈએસએફ)ની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, આ એક વ્યૂહાત્મક શાખા છે અને દુનિયાના સૌથી મોટા સૈન્યનો મુખ્ય સ્તંભ હશે. જિનપિંગ ચીનના શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી)ના અધ્યક્ષ હોવાની સાથે ચીની સૈન્યના કેન્દ્રીય સૈન્ય આયોગ (સીએમસી)ના પ્રમુખ પણ છે. તેમણે કહ્યું કે, ઈન્ફર્મેશન સપોર્ટ ફોર્સની સ્થાપના કરાઈ રહી છે, જે એક મજબૂત સૈન્યના નિર્માણની સમગ્ર જરૂરિયાતોના સંદર્ભમાં સીપીસી અને સીએમસી દ્વારા લેવાયેલો એક મોટો નિર્ણય છે. સીપીસી અને સીએમસી દ્વારા સૈન્યને વધુ શક્તિશાળી કરવાની દિશામાં આ પગલું લેવાયું છે.
દુનિયા જમીન, આકાશ અને સમુદ્રમાં યુદ્ધમાં અટવાઈ છે ત્યારે ચીન દુનિયાથી ઘણું આગળ નીકળી ગયું છે. ચીને અવકાશમાં પણ તેનું સૈન્ય તૈનાત કર્યું છે તેવો ઘટસ્ફોટ તાજેતરમાં જ નાસાએ કર્યો હતો. હવે ચીન સાયબર યુદ્ધ માટે અલગ યુનિટની સ્થાપના કરી ચૂક્યું છે. આ ક્ષેત્રોમાં ચીનની વધતી તાકાતથી અમેરિકા સહિત દુનિયાના બધા જ દેશો આશ્ચર્યચકિત છે. આઈએસએફની સ્થાપનાની જાહેરાત સાથે ચીને પહેલી વખત સ્પેસ ફોર્સ અને સાયબર ફોર્સના અસ્તિત્વની પુષ્ટી કરી છે.
ચીન સતત તેનું સૈન્ય વધારી રહ્યું છે. આ નવી શાખા પીએલએને વધુ મજબૂત બનાવશે. ચીનની નવી શાખા ઈન્ફર્મેશન સપોર્ટ ફોર્સ પીએલએના સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ (એસએસએફ)ની સુધારેલી આવૃત્તિ છે. વર્ષ ૨૦૧૫માં ચીનના સૈન્યે સાયબર, અવકાશ, રાજકીય અને ઈલેક્ટ્રોનિક યુદ્ધનો સામનો કરવા માટે એસએસએફની રચના કરી હતી. સરકારી માલિકીના અખબાર શિન્હુઆએ શુક્રવારે આઈએસએફના લોન્ચની માહિતી આપી હતી. સીએમસીએ એસએસએફનો હોદ્દો રદ કરી દીધો છે. આથી નિષ્ણાતોનું માનવું છે કે આઈએસએફ તરીકે તેને ફરીથી લોન્ચ કરાયું છે.
બેઈજિંગમાં આઈએસએફની સ્થાપના સમારંભમાં ફોર્સને તેનો ધ્વજ સોંપાયો. સિનિયર આર્મી ઓફિસર બીયીને તેના ચીફ બનાવાયા છે તથા લી વેઈ તેના પોલિટિકલ કમિશનર નિયુક્ત થયા છે. આ ફોર્સ પ્રત્યક્ષ રૂપે સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)ને રિપોર્ટ કરશે, જે ચીનની સૌથી શક્તિશાળી સંરક્ષણ સંસ્થા છે. ચીનના સૈન્યમાં સીએસીનો હોદ્દો પીએલએ અથવા તેના સૈન્ય કરતાં પણ વધુ છે.
શિન્હુઆના અહેવાલ મુજબ આ ફોર્સ ચીનના સૈન્યના ઉચ્ચ ગુણવત્તાવાળા વિકાસ અને આધુનિક યુદ્ધમાં પ્રતિસ્પર્ધાત્મક્તાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ફોર્સને શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીના આદેશનું દૃઢતાપૂર્વક પાલન કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ યુનિટ સંપૂર્ણપણે વફાદાર, શુદ્ધ અને વિશ્વસનીય રહે. ચીનના સૈન્યની સંયુક્ત સંચાલન વ્યવસ્થામાં ઊંડાણપૂર્વક એકીકૃત થવા, સચોટ અને અસરકારક રીતે માહિતીનું સંચાલન કરવા અને વિવિધ દિશાઓ તથા ક્ષેત્રોમાં સૈન્ય અભિયાનોને સુવિધાજનક બનાવવાનો આગ્રહ કર્યો હતો.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિનિયર કર્નલ વુ ક્વિઆને કહ્યું કે, તેમના સૈન્ય પીએલએમાં હવે ચાર સર્વિસ છે, જેમાં ગ્રાઉન્ડ ફોર્સ, નેવી, એરફોર્સ અને રોકેટ ફોર્સનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં સ્પેસ ફોર્સ, સાયબર ફોર્સ, આઈએસએફ અને જોઈન્ટ લોજિસ્ટિક સપોર્ટ ફોર્સ સહિતની કેટલીક પેટા શાખાઓનો પણ સમાવેશ થાય છે.
જાપાનના વાર્ષિક રિપોર્ટમાં ઘટસ્ફોટ
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ સૌથી મોટો પડકાર
જાપાન ચીન વિરુદ્ધ જૂના ખોટા આરોપો અને પ્રચારની માનસિક્તા છોડે : વિદેશ મંત્રાલય
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ સૌથી મોટો પડકાર હોવાનો જાપાને તેના વાર્ષિક ડિપ્લોમેટિક બ્લુબૂકમાં દાવો કર્યો છે. વધુમાં આ રિપોર્ટમાં પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રમાં યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયત્નોની ટીકા કરવામાં આવી છે. જોકે, જાપાનના આ દાવાને ચીને ફગાવી દીધો છે અને કહ્યું છે કે આ રિપોર્ટ ખોટો છે.
જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા જાપાનની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ પર વાર્ષિક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે છે. ગયા મંગળવારે જ જાપાને આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં કથિત રીતે દક્ષિણ ચીન સાગરમાં ચીનની પ્રવૃત્તિઓ અને પૂર્વ તથા દક્ષિણ ચીન સાગરમાં ચીન યથાસ્થિતિ બદલવાના તેના પ્રયત્નોની ટીકા કરાઈ છે. જોકે, વોઈસ ઓફ અમેરિકા મુજબ આ રિપોર્ટની સત્તાવાર અંગ્રેજી આવૃત્તિ જાહેર કરાઈ નથી. જાપાની મીડિયાનું કહેવું છે કે વર્ષ ૨૦૧૯ પછી પહેલી વખત જાપાન સામાન્ય રણનીતિક હિતોના આધારે ચીનની સાથે પારસ્પરિક રૂપે લાભકારી સંબંધ બનાવવા માગે છે.
જોકે, જાપાનનો દાવો ફગાવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે જાપાને તેના ૨૦૨૪ના ડિપ્લોમેટિક બ્લુબૂકમાં ચીન વિરુદ્ધ એ જ જૂના ખોટા આરોપો અને ચીનના જોખમના પ્રચારનો આધાર લીધો છે. આ સિવાય ચીને પુષ્ટી કરી કે, અમે જાપાનને આગ્રહ કરીએ છીએ કે તે પોતાની ખોટી કાર્યવાહીને બદલે, જૂથ અથડામણને પ્રોત્સાહન આપવાનું બંધ કરે. બીજીબાજુ જાપાના યુકી તાત્સુકીએ કહ્યું કે, તાઈવાન પ્રત્યે બેઈજિંગની વધતી દુશ્મનાવટ અને આક્રમક નિવેદનબાજી તથા વ્યવહારના કારણે જાપાન એલર્ટ થઈ ગયું છે.