– ઈલોન મસ્ક પીએમ મોદી સાથે મુલાકાત કરવાના હતા
– મસ્ક પણ જાણી ગયા છે કે પીએમ મોદી વિદાય થઈ રહ્યા છે ઈન્ડિયા બ્લોકના વડાપ્રધાન તેમને આવકારશે : કોંગ્રેસનો ટોણો
નવી દિલ્હી : ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કનો ભારત પ્રવાસ હાલ મુલતવી રહ્યો છે. ટેસ્લાના પહેલા ત્રિમાસિક પરિણામો અંગે સવાલોના જવાબ આપવા માટે ૨૩ એપ્રિલે અમેરિકામાં કોન્ફરન્સ કોલના કારણે મસ્કનો ભારત પ્રવાસ સ્થગિત કરાયો છે. મસ્ક આ પ્રવાસમાં પીએમ મોદીને પણ મળવાના હતા.
ઈલોન મસ્કે એક્સ પ્લેટફોર્મ પર તેમનો ભારત પ્રવાસ સ્થગિત થયાની જાહેરાત કરી હતી. તેમણે એક પોસ્ટના રિપ્લાયમાં લખ્યું કે, દુર્ભાગ્યથી, ટેસ્લાની અતિ વ્યસ્ત જવાબદારીઓના કારણે ભારત પ્રવાસ મુલતવી રાખવો પડયો છે, પરંતુ આ વર્ષના અંતમાં ભારત પ્રવાસ માટે ખૂબ જ આતુર છું.
અગાઉ મસ્કે પોતે ૧૦ એપ્રિલે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ૨૧ અને ૨૨ એપ્રિલે ભારત પ્રવાસ સમયે તેઓ પીએમ મોદી સાથે મુલાકાત માટે ખુબ જ ઉત્સુક છે. ઈલોન મસ્ક ભારતમાં બેથી ત્રણ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરે તેવી પણ શક્યતા હતી. ટેસ્લાના માલિક મસ્ક ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ ટેસ્લાની ફેક્ટરી સ્થાપિત કરવાની સંભાવનાઓ ચકાસી રહ્યા છે.
રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે આયાત ટેક્સ પરના ઊંચા ચાર્જ ઘટાડવાની નવી પોલિસીની જાહેરાત કરી હતી, પરંતુ કંપની સ્થાનિક સ્તર પર રોકાણ કરે તો જ તેનો લાભ મળે તેવી શરત હોવાથી મસ્ક ભારતમાં રોકાણ કરે તેવી શક્યતા છે. મસ્ક ભારતમાં રિલાયન્સ સાથે જોડાણ કરે તેવી પણ અટકળો ચાલી રહી છે.
ઈલોન મસ્કે શનિવારે ભારત પ્રવાસ સ્થગિત કર્યો હોવાના સમાચાર આવતા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે મોદી સરકાર પર પ્રહાર કરતાં લખ્યું હતું કે, મસ્ક પણ હવે ‘દિવાલ પર લખેલું વાંચી’ શકે છે. રમેશે લખ્યું, ઈલોન મસ્ક ભારત આવે અને વિદાય લઈ રહેલા વડાપ્રધાનને મળે તે થોડુંક અજુગતું લાગતું હતું. તેઓ પણ હવે દિવાલ પર લખેલું વાંચી શકે છે અને તેમણે ભારત મુલાકાત પાછી ઠેલવાનો નિર્ણય કર્યો. જયરામ રમેશે વધુમાં લખ્યું કે, ઈન્ડિયા બ્લોકના વડાપ્રધાન ટૂંક સમયમાં મસ્કને આવકારશે.