Arvind Kejriwal Health Controversy : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોગ્યને લઈ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હંગામો કરી રહી છે. આપ નેતાઓએ દાવો કર્યો કે, જેલમાં બંધ કેજરીવાલને ઈન્સ્યુલિનનો ડોઝ આપવામાં આવી રહ્યો નથી, તેથી તેમના જીવને ખતરો છે. હવે આ મામલે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના (LG Vinai Kumar Saxena)એ સત્તાવાર નિવેદન જાહેર કરી AAPની પોલ ખોલી છે.
તિહાર જેલ વહિવટીતંત્રએ એલજીને રિપોર્ટ સોંપ્યો
LG હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદમાં જણાવાયું છે કે, કેજરીવાલના આરોગ્ય અંગે તિહાર જેલ (Tihar Jail) વહિવટીતંત્રએ એલજીને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ખોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. નિવેદન મુજબ AAP દ્વારા કેજરીવાલના આરોગ્ય અંગે જે વાતો બનાવાઈ છે, તે તેલંગણાના ખાનગી ક્લિનિક દ્વારા કરાયેલ ઉપચાર પર આધારિત છે.
LGએ કેજરીવાલ અને AAPના દાવા પર કર્યો કટાક્ષ
નિવેદનમાં જણાવાયું છે કે, કેજરીવાલ ઇન્સ્યુલિન રિવર્સલ પર હતા અને તેમની ધરપકડના ઘણા સમય પહેલા ડોક્ટરે ઇન્સ્યુલિનનો ડોઝ બંધ કરી દીધો હતો. લેફ્ટનન્ટ ગર્વનરે દિલ્હીની આરોગ્ય સિસ્ટમને લઈને AAPના દાવા પર કટાક્ષ કરી કહ્યું કે, હજુ પણ તેમને (કેજરીવાલ) ગુપ્ત સારવાર માટે દક્ષિણમાં જવું પડી રહ્યું છે, જેના માટે તેઓ મેડિકલ રિપોર્ટ પણ આપી શક્યા નથી.
LGના નિવેદનમાં શું કહેવાયું ?
કેજરીવાલ તેલંગાણા સ્થિત ખાનગી ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહ્યા હતા. તેમના ડૉક્ટરે તેમને ઇન્સ્યુલિનના ડોઝ આપવાનું બંધ કરી દીધું હતું. તેઓ ડાયાબિટીસ વિરોધી ટેબ્લેટ મેટફોર્મિન લેતા હતા. તિહાર જેલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન કેજરીવાલે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્યુલિન લઈ રહ્યા છે. થોડા મહિના પહેલા તેલંગાણાના ડોક્ટરે ઇન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું. RML હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ અનુસાર દિલ્હીના મુખ્યમંત્રીને ન તો કોઈ ઈન્સ્યુલિન લેવાની સલાહ અપાઈ હતી અને ન તો કોઈ ઈન્સ્યુલિનની જરૂરિયાત વિશે કહેવાયું હતું. 10 અને 15 એપ્રિલે કેજરીવાલના સ્વાસ્થ્યની સમીક્ષા કરાઈ હતી અને તેમને ડાયાબિટીસની ગોળીઓ આપવાની સલાહ અપાઈ હતી. એ કહેવું ખોટું છે કે કેજરીવાલની સારવાર દરમિયાન કોઈપણ સમયે ઈન્સ્યુલિન લેવાનો ઈન્કાર કરાયો હતો. કેજરીવાલની તપાસ કર્યા બાદ નિષ્ણાતે કહ્યું કે, જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી કેજરીવાલનું બ્લડ સુગર લેવલ ચિંતાજનક નથી અને તેમને હાલમાં ઇન્સ્યુલિનની જરૂર નથી.
કેજરીવાલ જેલમાં શું ખાતા હતા, LGએ આપ્યો જવાબ
તિહાર જેલ વહિવટીતંત્રએ કેજરીવાલ માટે એમ્સ પાસે ડાયટ પ્લાન પણ માગ્યો હતો. આ માટે તિહાર પ્રશાસને એમ્સને ચિઠ્ઠી લખી પૂછ્યું હતું કે, ‘મુખ્યમંત્રી કેજરીવાલે શું શું ખાઈ રહ્યા છે?’ ત્યારે આ ચિઠ્ઠીનો ઉલ્લેખ કરી એલજીએ કહ્યું કે, ‘કેજરીવાલ મિઠાઈ, લાડવા, કેળા, કેરી, ફળો, તળેલું ભોજન, મીઠું, ભજીયા, મીઠી ચા, બટેકા-પુરી, અથાણું અને અન્ય ઘણી હાઈ કોલેસ્ટ્રોલવાળી ચીજો ખાઈ રહ્યા હતા.’
એમ્સે કેજરીવાલ માટે ડાયટ પ્લાન પણ આપ્યો હતો અને તળેલા ખોરાક જેમ કે પુરી, પરાઠા, સમોસા, પકોડા, નમકીન, ભુજિયા, અથાણું, પાપડ વગેરે. મીઠાઈઓ, કેક, જામ, ચોકલેટ, ખાંડ, ગોળ, મધ, આઈસ્ક્રીમ, કેરી, કેળા, સાપોટા, લીચી, દ્રાક્ષ જેવા ફળો, શાકભાજીમાં બટેટા, ઘી, ઈંડાની જરદી, માખણ, ફુલ ક્રીમ દૂધ વગેરે ખાવાનો ઈન્કાર કર્યો હતો.