– મોટા પરિવર્તનના ડીડી ન્યૂઝના સંકેત
– ‘પ્રસાર ભારતી’ હવે ‘પ્રચાર ભારતી’ બની ગયું છે : પૂર્વ સીઇઓ જવાહર ભડક્યા
નવી દિલ્હી : દૂરદર્શનની ન્યૂઝ ચેનલ એટલે કે ડીડી ન્યૂઝે પોતાના વર્ષો જુના લોગોના કલરને બદલ્યો છે. ડીડી ન્યૂઝનો લોગો એ જ છે જે વર્ષોથી જોવા મળતો હતો પણ તેનો કલર લાલમાંથી બદલીને હવે કેસરી રંગનો કરવામાં આવ્યો છે. રંગ બદલવાને લઇને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
ટ્વીટર પર જાણકારી આપતા ડીડી ન્યૂઝે લખ્યું હતું કે એક નવા પ્રવાસ માટે તૈયાર રહો, અગાઉ ક્યારેય નહી કર્યો હોય તેવો અનુભવ થશે. હવે તમામ નવા ડીડી ન્યૂઝનો આનંદ માણો. જોકે લોગોનો કલર ભગવો કરવા મુદ્દે ખૂદ પ્રસાર ભારતી (ડીડી, એર)ના પૂર્વ સીઇઓ અને રાજ્યસભાના સાંસદ જવાહર સિરકર નારાજ જોવા મળ્યા હતા. તેમણે ટ્વીટર પર ડીડી ન્યૂઝના આ નિર્ણયની ભારે ટિકા કરી હતી.
જવાહરે ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે દૂરદર્શન પ્રસાર ભારતી નથી રહ્યું પણ પ્રચાર ભારતી બની ગયું છે. તેના પૂર્વ સીઇઓ તરીકે હું દૂરદર્શનનું ભગવાકરણ થતું જોઇ રહ્યો છું. દરમિયાન કોંગ્રેસના નેતા અને ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન કેન્દ્રમાં બ્રોડકાસ્ટિંગ મંત્રી હતા, તેમણે કહ્યું હતું કે લોગોનો કલર બદલીને કેન્દ્ર સરકાર સરકારી સંસ્થાઓ પર કબજો જમાવવા માગે છે. જ્યારે ભાજપના આંધ્રના પ્રદેશ ઉપપ્રમુખે દાવો કર્યો હતો કે ૧૯૫૯માં જ્યારે દૂરદર્શનની શરૂઆત થઇ હતી ત્યારે તેના લોગોનો કલર ભગવા રંગનો જ હતો, કેન્દ્ર સરકારે ફરી તે રંગના લોગોનો અમલ કર્યો છે.