જિનાલયોમાં ‘ત્રિશલાનંદન ભગવાન મહાવીર કી જય’ના નાદ ગુંજી ઉઠશે : ચાંદીના રથમાં વીરપ્રભુ મહાવીરની પ્રતિમા બિરાજમાન થશે, સાધુ-સાધ્વીજીઓ અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સંગીતની સૂરાવલી સાથે રાજ માર્ગો પર ધર્મયાત્રા નીકળશે, ઠેર-ઠેર દિવ્ય આંગીનાં દર્શન
રાજકોટ, : રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધર્મનગરી તરીકે જાણીતી રહી છે, આવતીકાલ તા. 21ના શહેરના જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ધર્મયાત્રા, ધર્મસભા અને જિનાલયોમાં વીરપ્રભુ મહાવીરની પ્રતિમાને હીરા-મોતીની લાખેણી આંગી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મ પર્વ નિમિત્તે શહેરમાં સાધુ-સાધ્વીજીઓનાં ધર્મ પ્રવચન યોજવામાં આવ્યા છે.
રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે જૈનમ સંસ્થા દ્વારા ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 21ના સવારે 8 વાગ્યે અહીંના મણીયાર દેરાસરેથી ધર્મયાત્રાનો પ્રારંભ થશે સાધુ ભગવંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને જુદા-જુદા સમાજના આગેવાનો તેમજ શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં જૈનમ જયંતિ શાસનના નારા સાથે ધર્મયાત્રાનો પ્રારંભ થશે. ચાંદીના રથમાં વીરપ્રભુ મહાવીરની પ્રતિમા બિરાજમાન થશે, સંગીતની સુરાવલીઓ સાથે આ ધર્મયાત્રામાં ચાંદીના રથને શ્રાવકો ખુલ્લા પગે ખેંચીને શ્રધ્ધાભાવના વ્યકત કરશે. શહેરના જુદા-જુદા માર્ગો ઉપર ફરીને આ ધર્મયાત્રા સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે વિરાણી પોષધશાળાએ પહોંચશે ત્યાં ધર્મયાત્રામાં પરિવર્તિત થશે. સાધ્વીજીઓનાં ધર્મભકિત સભર પ્રવચન થશે, ધર્મયાત્રા બાદ ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિ નારાયણ મંદિરના પટાંગણમાં ગૌતમ પ્રસાદનું આયોજન 7,000થી વધુ જૈન શ્રાવકો માટે કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટી સંખ્યામાં જૈન ભાવિકો લેશે.
રાજકોટ શહેરનાં જુદા જુદા જિનાલયોમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ફૂલોની સજાવટા સાથે સોના-ચાંદી, હિરા-મોતીની આંગીના દર્શન થશે. રાજકોટમાં જાગનાથ પ્લોટ દેરાસરમાં આવતીકાલ તા. 21ના સાંજના પાંચ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભગવાન મહાવીરની મહાપુજા થશે, મુળ નાયક ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણક ઉત્સવની શહેરનાં તમામ જિનાલયોમાં ભકિતપૂર્વક ઉજવણી થશે. મહોત્સવ સંદર્ભે રંગોળી સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. માતા ત્રિશલાદેવીને આવેલા 24 સ્વપ્નોની સાથે પ્રભુના પારણાંને ઝુલાવી ભાવિકો ત્રિશલાનંદનનાં જન્મ કલ્યાણક મહોત્સવને હૈયાના હેતથી ઉજવશે.