વિવાહ પ્રસંગે રૂક્ષ્મણીજી મંદિરે છપ્પનભોગ મનોરથ યોજાયો : સાંજે જગતમંદિરેથી દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીનો વાજતે -ગાજતે વરઘોડો નીકળ્યો
દ્વારકા, : માધવપુરની જેમ જ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અહી ગુરૂવારે સાંજે જગતમંદિરેથી ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. તેમજ રૂક્ષ્મણી મંદિરે છપ્પનભોગ મનોરથ યોજાયો હતો. આજે શુક્રવારે રૂક્ષ્મણી મંદિરે ઠાકોરજીના રૂક્ષ્મણીજી સાથે લગ્ન ધામધૂમથી ઉજવાશે.
યાત્રાધામ દ્વારકામાં ગઇકાલથી શરૂ થયેલ દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે બુધવારના સાંજે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજાઈ હતી.બીજા દિવસે ગુરૂવારના સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ થઈ હતી. અહી અગિયારીની વિધી બાદ રૂક્ષ્મણી માતાજીની ૧૧ વાગ્યે આરતી થઈ હતી અને એ જ સમયે છપ્પનભોગનો મનોરથ યોજવામાં આવ્યો હતા.જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહારગામથી આવેલ ભાવિકોએ દર્શનો લાભ લીધો હતો.
ગુરૂવારે સાંજે 8 વાગ્યે દ્વારકાધીશ જગતમંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે વાજતે ગાજતે નિકળી શહેરના વિવિધ માર્ગો મંદિરચોક, નિલકંઠચોક, હોળીચોક, મહાજનબજાર, એમજીરોડ, ત્રણબતીચોક, થઇ ભદ્રકાલીચોકમાં વિરામ પામ્યો હતો. ત્યાથી ઠાકોરજી સંગ રૂક્ષ્મણી વિવાહ સ્થળ રૂક્ષ્મણી મંદિર ખાતે પહોચ્યા હતા. ઠાકોરજીના વરઘોડામાં દ્વારકા શહેર સ્થાનિકો તથા બહાર ગામથી ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ શુક્રવારના રૂક્ષ્મણી મંદિર પટાંગણમાં સાંજે 7-00 વાગ્યે દ્વારકાધીશ અને રૂક્ષમણીજીના લગ્ન ઉત્સવ ધામધુમથી ઉજવાશે.