IPL 2024 Rising Star: લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનઉની ટીમે 8 વિકેટથી વિજય મેળવ્યોહતો. આ મેચમાં લખનઉની જીતમાં તેમના કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તો બીજી તરફ તે પહેલા બોલરોએ પોતાના કામને ખૂબ જ સારી રીતે અંજામ આપ્યો હતો. બોલરોએ આ મેચમાં CSKને 180થી વધુ સ્કોર નહોતો બનાવવા દીધો. આ મેચની બીજી ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પહેલો ઝટકો રચિન રવિન્દ્રના રૂપમાં લાગ્યો હતો જેને ડાબા હાથના ફાસ્ટ બોલર મોહસિન ખાને પોતાના શાનદાર ઈનસ્વિંગ બોલ પર ચકમો આપી દેતા બોલ્ડ કરી દીધો હતો. મોહસિન ખાન 2022ની IPL સિઝનથી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમવાની તક નહોતી મળી

મોહસિન ખાનની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે તેને 2019ની સિઝનમાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો અને તે પછી તે 2021ની સિઝન સુધી આ જ ફ્રેન્ચાઈઝીનો ભાગ રહ્યો હતો પરંતુ તેને એક પણ મેચ રમવાની તક નહોતી મળી. 2022ની સિઝન પહેલા આયોજિત ખેલાડીઓના ઓક્શનમાં મોહસિન ખાનને લખનઉ સુપર જાયન્ટ્સે તેની 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર તેમની ટીમનો ભાગ બનાવ્યો હતો. વર્ષ 2023માં રમાયેલી IPL સિઝનમાં મોહસિન તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં છેલ્લી ઓવરમાં 11 રન બચાવ્યા હતા. તેણે ટિમ ડેવિડ અને કેમેરુન ગ્રીન સામે બોલિંગ કરતા માત્ર 5 રન આપ્યા હતા.

મોહસિન ખાન ખભાની ઈજાને કારણે એક વર્ષ માટે મેદાનની બહાર રહ્યો હતો

મોહસિન ખાનનો જન્મ યુપીના સંભલમાં થયો હતો. મોહસિને યુપી અંડર-16, યુપી અંડર-19 ટીમથી રમ્યા બાદ રણજીમાં વર્ષ 2020માં યુપીની ટીમ તરફથી ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2022 IPL સિઝનના અંત પછી મોહસિન ખાન ખભાની ઈજાને કારણે એક વર્ષ માટે મેદાનની બહાર રહ્યો હતો. ત્યારબાદ તે વર્ષ 2023ની IPL સિઝનની પ્રથમ કેટલીક મેચોમાંથી પણ બહાર રહ્યો હતો. મોહસિન ખાનની અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેને માત્ર એક જ રણજી મેચ રમવાની તક મળી છે જેમાં તેણે 2 વિકેટ ઝડપી છે. બીજી તરફ 18 લિસ્ટ-એ મેચોમાં મોહસિને 27 વિકેટ પોતાના નામે કરી છે જ્યારે 49 ટી-20 મેચમાં 67 વિકેટ ઝડપી છે. મોહસિન નવા બોલમાં જ્યાં સ્વિંગ કરવાની ક્ષમતા ધરાવે છે તો બીજી તરફ અંતિમ ઓવરોમાં તેની પસે શાનદાર યોર્કર અને સ્લો ઓવર બોલ ફેંકવામાં માહિર છે. મોહસિને IPLમાં અત્યાર સુધીમાં 18 મેચમાં 19.52ની એવરેજથી 23 વિકેટ ઝડપી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *