Image: IANS
Iran- Israel War: ઈઝરાયલે ઈરાનના હુમલાનો વળતો પ્રહાર કરતાં મિસાઈલ હુમલાઓ શરૂ કરી દીધા છે. ઈઝરાયલના મિસાઈલ અને ડ્રોન હુમલાથી ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાઓ વધી છે. ઈઝરાયલના આ હુમલાનો ભોગ ઈરાન, ઈરાક અને સિરિયા બન્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઈરાકમાં પણ હુમલાના અવાજો સંભળાયા છે. જેના લીધે એર ટ્રાફિક વધતા તમામ ફ્લાઈટ્સના રૂટ બદલ્યા છે.
ઈરાનના ન્યુક્લિઅર પ્લાન્ટ નિશાના પર?
ઈરાનના ઈસ્ફહાન શહેરમાં વહેલી સવારે મોટા ઘડાકાઓના અવાજો સંભળાયા હતા. આ શહેરમાં ઈરાનનો મોટો ન્યુક્લિઅર પ્લાન્ટ છે. જો કે, ન્યુક્લિઅર પ્લાન્ટ સુરક્ષિત હોવાની ખાતરી ઈરાનના સત્તાવાર અધિકારીઓ આપી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ દ્વારા આ હુમલા સંદર્ભે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. પરંતુ અમેરિકાએ આ હુમલાની ખાતરી કરી છે. ઈરાનના એક સરકારી અધિકારી અને બાદમાં ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે જણાવ્યું હતું કે, ન્યુક્લિઅર સ્થળોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.
ઈરાનના ઈસ્ફહાન શહેરમાં સૈન્ય દળો પર હુમલો
ઈરાનના ઈસ્ફહાન શહેરમાં સૈન્ય દળોની છાવણી પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનના નાગરિક અંતરિક્ષ કાર્યક્રમના પ્રવકતા હોસૈન ડેલિરિયને સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે, નાના ક્વોડોકોપ્ટર ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યુ છે. ઈસ્ફહાનમાં નાના-નાના 3 ડ્રોનને ઈરાનની સેના દ્વારા નષ્ટ કરવામાં આવ્યા છે.
સિરિયાના સૈન્ય દળોના સ્થળોને નુકસાન
સિરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી SANAએ જણાવ્યું છે કે, વહેલી સવારે ઈઝરાયલ દ્વારા થયેલા મિસાઈલ હુમલામાં સિરિયાના દક્ષિણ પ્રાંતમાં સ્થિત એર ડિફેન્સ સ્થળોએ સાધનો અને સંપત્તિને નુકસાન થયું છે.
ઈરાને 13 એપ્રિલે ઈઝરાયલ પર મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી છે. ઈઝરાયલે ઈરાનનેવળતો જવાબ આપવાની ધમકી આપી હતી.