image : socialmedia
Ex Pak PM Imran Khan Warns Army Chief : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત આર્મી ચીફ આસિમ મુનીર પર શાબ્દિક હુમલો કર્યો છે.
હાલમાં જેલની હવા ખાઈ રહેલા ઈમરાન ખાને પાકિસ્તાનના સેના પ્રમુખને પોતાની પત્ની બુશરા બીબીને જેલમાં મોકલવા માટે જવાબદાર ઠેરવ્યા છે.
ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના મામલાની સાથે સાથે ગેરકાયદે લગ્ન માટે પણ કોર્ટે દોષી ઠેરવ્યા છે. હાલમાં બુશરાબીબી તેમના નિવાસ સ્થાનમાં નજર કેદ છે.
પાકિસ્તાનની તહેરીક એ ઈન્સાફ પાર્ટીના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અડિયાલા જેલમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘મારી પત્નીને અપાયેલી સજામાં જનરલ મુનીરની સીધી સંડોવણી છે. બુશરાને દોષી જાહેર કરનાર ન્યાયાધીશને આ પ્રકારનો ચુકાદો આપવા માટે જનરલ મુનીરે મજબૂર કર્યા હતા. જો મારી પત્નીને કશું થયુ તો હું મુનીરને નહીં છોડું. હું જ્યાં સુધી જીવતો છુ ત્યાં સુધી મુનીરના પાછળ પડીશ. હું તેમના ગેરબંધારણીય અને ગેરકાયદે કૃત્યોનો પર્દાફાશ કરીશ. ‘
ઈમરાને આગળ કહ્યુ હતુ કે, ‘દેશમાં જંગલ રાજ છે અને દેશના નિર્ણયો જંગલના રાજા દ્વારા લેવામાં આવી રહ્યા છે. મારી પાર્ટીને પેટા ચૂંટણી લડતા રોકવામાં આવી રહી છે. ‘
દેશની આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યુ હતુ કે, ‘આઈએમએફ પાસે લોન લેવાથી પાકિસ્તાનની ઈકોનોમી સુધરવાની નથી. દેશને મૂડી રોકાણની જરૂર છે પણ પાકિસ્તાનમાં જંગલ રાજ પ્રવર્તી રહ્યુ છે અને તે જોતા લાગતુ નથી કે કોઈ રોકાણકાર રોકાણ કરવા માટે આગળ આવે. સાઉદી અરબ એક આશાનુ કિરણ છે પણ વધારે રોકાણકારોને આકર્ષવા માટે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની જરુર છે. ‘
ઈમરાન ખાને દેશમાં ફેલાયેલી અરાજકતાને દર્શાવવા માટે તાજેતરમાં પંજાબ પ્રાંતમાં પોલીસ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણનુ ઉદાહરણ પણ આપ્યુ હતુ. જેમાં સેનાના જવાનો પર પોલીસ કર્મીઓને માર મારવાનો આરોપ લાગ્યો હતો.