અમદાવાદ,ગુરુવાર
પૂર્વમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ યુવકો ઉપર ઘાતક હુમલો કરતા પણ અચકાતા નથી. ખોખરા વિસ્તારમાં ચાની કીટલી ઉપર કિશોર મિત્રો સાથે ચા પીવા ગયો હતો જ્યાં નશાખોર યુવકે આવીને બીડીની માંગણી કરી હતી, કિશોરે મારી પાસે બીડી નથી તેમ કહેતા ચાકુના ઘા મારીને કિશોરને લોહી લુહાણ કરીને આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રો સાથે ચા પીવા ગયા હતા અને નશાખોર યુવકે આવીને બીડીની માંગી કિશોરે ઇન્કાર કરતા ચાકુથી હુમલો કરતા કિશોર સારવાર હેઠળ
ખોખરાના ભાઈપુરા વિસ્તારમાં રહેતો અને છુટક મજૂરી કરતો કિશોર ગઇકાલે બુધવારે રાત્રે તેના મિત્રો સાથે ચાની કીટલીએ ચા પીવા ગયો હતો. ત્યારે નશાખોર શખ્સ તેની પાસે આવ્યો અને બીડીની માગણી કરી હતી જેથી કિશોરે તેની પાસે બીડી નથી તેમ કહેતાની સાથે જ તે ગુસ્સે થઈને તકરાર કરવા લાગ્યો અને ગાળો બોલીને કિશોર અને તેની સાથે આવેલા તેના મિત્રોને મારવા લાગ્યો હતો. આ સમયે આરોપીએ કિશોરના ગળાના ભાગે અને માથાના ભાગે ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો.
બુમાબુમ થતા ચાની કીટલી પર રહેલા લોકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં હાલમાં સારવાર ચાલું છે. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.